પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
અમદાવાદના ખોખરાના PIનું સ્વચ્છતા અભિયાન, યુવાનોમાં ફફડાટ
અગ્ર ગુજરાત, અમદાવાદ
સામાન્ય રીતે સરકારી કચેરીઓની દીવાલો પાન-મસાલાની પિચકારીઓથી રંગાયેલી જોવા મળતી હોય છે, પરંતુ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશને એક અનોખી પહેલ કરી છે. ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.પી. સાવલિયાએ પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા અને તમાકુ ખાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિયમ માત્ર કાગળ પર નથી, તેની કડક અમલવારીના ભાગરૂપે અત્યાર સુધીમાં 5 પોલીસ કર્મચારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ અને ઓફિસની બહાર મોટા અક્ષરે બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખોખરા પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓએ પોલીસ સ્ટેશન ખાતે પાન/મસાલા/તમાકુ ખાઈને આવવું નહીં. જો કોઈ કર્મચારી પાન/મસાલા ખાતા મળી આવશે તો તેની વિરુદ્ધ તમાકુ નિયંત્રણ અધિનિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે.
ઘણીવાર જોવા મળે છે કે પોલીસ કર્મચારીઓ ચાલુ ફરજે ટેબલ પર બેસીને જ મસાલા ખાતા હોય છે અને ડસ્ટબિનમાં જ થૂંકતા હોય છે, જેના કારણે ગંદકી ફેલાય છે અને કચેરીની ગરિમા જળવાતી નથી. આ બાબતને ગંભીરતાથી લઈને PI સાવલિયાએ આ કડક નિર્ણય લીધો છે. તેમનો ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનને સ્વચ્છ રાખવાનો અને કર્મચારીઓને વ્યસનથી દૂર રાખવાનો છે.
અમે ઈચ્છીએ છીએ કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને સ્વચ્છ વાતાવરણ મળે. વ્યસન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેથી અમે આ નિયમ બનાવ્યો છે. અત્યાર સુધીમાં અમે 5 કર્મચારીઓને દંડ કર્યો છે જેથી અન્ય કર્મચારીઓ પણ શિસ્તનું પાલન કરે.


