સુરેન્દ્રનગરમાં અમૂલના નામે ચાલતો નકલી ઘીનનો કાળો કારોબાર ઝડપાયો
શંકાસ્પદ ૨૨ ડબ્બા જપ્ત કરી પૃથ્થકરણ માટે લેબમાં મોકલાયા
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘી પધરાવવાનું મસમોટું નેટવર્ક કાર્યરત હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેડ દરમિયાન જાણીતી બ્રાન્ડ “અમૂલ પ્યોર ઘી” ના માર્કાવાળા શંકાસ્પદ નકલી ઘીના કુલ 22 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા સુરેન્દ્રનગર શહેરના બે મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મહેતા માર્કેટમાં આવેલી ‘આદિનાથ એન્ટરપ્રાઇઝ’ માંથી શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા. જ્યારે ટાંકી ચોક નજીક આવેલી ‘જે.સી. એન્ડ કંપની’ માં તપાસ કરતા વધુ 16 ડબ્બા મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ટાંકી ચોકમાં આવેલી જે.સી. એન્ડ કંપનીનો જ એક શખ્સ અમદાવાદથી આ ઘીના ડબ્બા લાવીને સુરેન્દ્રનગરના સ્થાનિક વેપારીઓને સપ્લાય કરતો હતો. આ નેટવર્ક કેટલું મોટું છે, અને અત્યાર સુધી કેટલું નકલી ઘી બજારમાં વેચાઈ ચૂક્યું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
ફૂડ વિભાગ દ્વારા સ્થળ પરથી 15 કિલોના ટીન ડબ્બામાંથી કુલ 3 નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે વડોદરાની સ્ટેટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટમાં ઘી નકલી સાબિત થયા બાદ વેપારીઓ અને સપ્લાયર વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


