ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સોમનાથની સાંસ્કૃતિક વિરાસતનું પુનઃ જાગરણ એક ગૌરવ ગાથા
સોમનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ અમૃત પર્વમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં શિવભક્તોનો જયઘોષ યાદગાર બનશે
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ભારત વર્ષની સંસ્કૃતિમાં દેશની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરો ભારત વર્ષનું ગૌરવ છે. સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણની પીઠિકા પર રહેલી આ ધરોહરો સનાતન સંસ્કૃતિના આધ્યાત્મિક ચેતનાના કેન્દ્રો છે. ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર તટે બિરાજતા સોમનાથ મહાદેવનું મંદિર શાશ્વત સંસ્કૃતિનું પ્રતીક તો છે જ તો બીજી તરફ સંઘર્ષ સામે વિજય અને અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. આઝાદ ભારત વર્ષમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો અને ૧૯૫૧ માં મંદિરનું નવનિર્માણ થયું. ૧૧ મે, ૧૯૫૧ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના હસ્તે નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. આ ગૌરવશાળી પળને ૧૧ મે ૨૦૨૬ ના રોજ ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવના આંગણે ઉજવાઈ રહેલા અમૃત પર્વમાં સહભાગી થવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે. ત્યારે તેમના સૂચિત પ્રવાસ કાર્યક્રમની તૈયારીને લઈને સમગ્ર સોમનાથ તીર્થ સ્થળમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ અને પ્રશાસન દ્વારા ‘અમૃત પર્વ’ને અનુલક્ષી વિવિધ તૈયારીઓ, ઉત્સવો અને કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેને લઈને શિવ ભક્તોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ૧૧મીના રોજ હજારો શિવભક્તો સોમનાથ આવશે અને હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવનો જયઘોષ કરશે.
“સૌરાષ્ટ્રે સોમનાથં ચ…….” સ્કંદપુરાણના પ્રભાસખંડમાં સોમનાથનો ઉલ્લેખ પવિત્ર તીર્થક્ષેત્ર તરીકે થયો છે. પ્રભાસખંડમાં સોમનાથ મંદિરને ‘કૈલાસ મહામેરુ પ્રાસાદ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણોમાં થયેલા ઉલ્લેખ અનુસાર સોમ એટલે કે ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્ણા ભગવાને કાષ્ઠનું અને રાજા ભીમદેવે પથ્થરનું મંદિર બંધાવી આપ્યુ હતુ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર સમયાંતરે અનેક આક્રાંતાઓએ હુમલા કર્યાં છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધાના બળે વધુ ભવ્યતા સાથે પુનઃસ્થાપિત થયું છે. જ્યારે પણ સનાતન ધર્મનો ઉલ્લેખ થાય છે. ત્યારે ઈતિહાસમાં સોમનાથની યશોગાથા સુવર્ણ અક્ષરે લખાયેલી જોવા મળે છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરએ દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે. સદીઓ સુધી આક્રાંતાઓના આક્રમણ સામે અડીખમ ઉભેલું અને સર્જન-વિસર્જનની પ્રક્રિયા બાદ જ્યારે ભારત દેશ સ્વતંત્ર બન્યો ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યુ હતુ. તા.૧૧ મે ૧૯૫૧ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના કરકમળો દ્વારા સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી પુનઃનિર્માણ પામેલા આ જ્યોતિર્લિંગની દર વર્ષે વૈશાખ સુદ પાંચમના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવે છે.
સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર અને સાંસ્કૃતિક ઈતિહાસને પુનર્જીવિત કરતાં સાંસ્કૃતિક મૂલ્યોનું પુનરુત્થાન કરતાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મહામૃત્યુંજય મંત્ર સાથે વિશેષ મહાપૂજા, ધ્વજાપૂજાવિધિ સહિત અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના સ્થાપના દિવસે કનૈયાલાલ મુન્શીના એ શબ્દો જરુર યાદ આવે છે કે, ‘જો સરદાર ન હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ નિહાળવા સદ્ભાગી થઇ ન હોત.’ સોમનાથ અમૃત પર્વ પહેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જાન્યુઆરી ૧૦૨૬ માં થયેલા પ્રથમ આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થતાં ૮ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં અખંડ ઓમકાર જાપ, શૌર્યગાથા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, કાશી કોરિડોર કે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પછી વિકાસ થકી સોમનાથનો સુવર્ણયુગ….. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિથી ભારતના સાંસ્કૃતિક વારસા અને મંદિરોનો ઈતિહાસ પુન:જીવીત થયો છે.


