ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક
વિદ્યાર્થીને ગડદાપાટુનો માર માર્યો: દિવાલ સાથે માથુ ભટકાડતા ત્રણ ટાંકા આવ્યા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદની પ્રખ્યાત ગુજરાત કોલેજમાં 5 ઓગસ્ટના રોજ જૂની અદાવતને લીધે ABVPના કાર્યકરોએ એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો. 5થી 7 જેટલા શખ્સોએ ભેગા મળીને વિદ્યાર્થીને ગડદાપાટુનો માર માર્યો હતો અને તેનું માથું દીવાલ સાથે અથડાવતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં જ એલિસબ્રિજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ગોધરાના અને હાલ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ સોલંકી ગુજરાત કોલેજમાં બીએસસી સેમેસ્ટર-5માં અભ્યાસ કરે છે. ધ્રુવરાજસિંહ પોતાના મિત્રો સાથે કોલેજ કમ્પસમાં આવેલા નેહરુ હોલ સામે બેઠો હતો, તે સમયે ABVPના કાર્યકર્તા પ્રિન્સ દેસાઈ, આર.બી. મુધવા, રામ તથા અન્ય શખ્સોએ આવીને અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો.
માર મારવા દરમિયાન ધ્રુવરાજસિંહ નીચે પડી ગયો હતો અને તેનું માથું દીવાલ સાથે અથડાતાં લોહી વહેવા લાગ્યું હતું. આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં માથાના ભાગે 3 ટાંકા આવ્યા છે. આ મામલે ધ્રુવરાજસિંહે પ્રિન્સ દેસાઈ, આર.બી. મુધવા, રામ અને અન્ય સાગરીતો વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


