વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની RTO દ્વારા થતી કનડગત સામે હડતાળ
યાત્રીઓ અને અંતિમયાત્રા વેળાએ પણ રિક્ષાઓ ડિટેઈન કરાતા ચાલકોમાં નારાજગી: ધારાસભ્ય ચુડાસમાને કરાઇ રજૂઆત
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવતા યાત્રાળુઓને સેવા પૂરી પાડતા ઓટોરિક્ષા ચાલકોએ RTO વિભાગ દ્વારા થતી કાર્યવાહી અને કનડગત સામે એક દિવસીય સજ્જડ હડતાળ પાડી છે. વેરાવળ, સોમનાથ અને પાટણના તમામ ઓટોરિક્ષા ચાલકોએ પોતાની રિક્ષાઓના પૈડાં થંભાવી દઈ વિરોધ નોંધાવ્યો હતો.
રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે, સોમનાથ મંદિર કે ત્રિવેણી સંગમ ઘાટ તરફ યાત્રીઓને લઈ જતા સમયે RTO દ્વારા વારંવાર રિક્ષાઓ ડિટેઈન કરીને મેમો અને કેસ કરવામાં આવે છે. એટલું જ નહીં, સ્વજનના દેહાંત સમયે ત્રિવેણી સ્મશાન ઘાટ તરફ જતા વાહનોને પણ ડિટેઈન કરવામાં આવતા હોવાથી ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે તમામ રિક્ષા ચાલકો સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયા હતા. ચાલકોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે આવતીકાલ તા.૨૩ના રોજ બપોરે ૧૨ વાગ્યે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને મળીને આવેદનપત્ર પાઠવશે.
બીજી તરફ, શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા નો-પાર્કિંગમાં વાહનો ખડકી દેવા તેમજ બેફિકરાઈથી રિક્ષા હંકારવાના કારણે અકસ્માતો થતા હોવાના દાખલા પણ સામે આવ્યા છે, ત્યારે RTO ની નિયમનકારી કામગીરી સામે રિક્ષા ચાલકોનો વિરોધ કેટલો વાજબી છે તે મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે.


