ડિમોલીશન ખર્ચ-રિવરફ્રન્ટ મુદે વિરોધ કરતા કોંગી કોર્પોરેટર-વિજિલન્સ વચ્ચે ઘર્ષણ
ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેના બેનરો લઈ અંદર પ્રવેશતા જનરલ બોર્ડમાં જતાં અટકાવતા ઝપાઝપી: મનપાના વહીવટને ભ્રષ્ટાચારીઓની ટોળકી ગણાવતા કોંગ્રેસ નગરસેવકો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મનપા કચેરીમાં નવનિયુક્ત શાસકોની બીજી જનરલ બોર્ડની બેઠક યોજાયા પૂર્વે જ ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો રામનાથ મહાદેવ રિવરફ્રન્ટ યોજનામાં થયેલો વિલંબ અને જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન થયેલા શંકાસ્પદ ખર્ચ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે મનપા શાસકોની સામે સવાલો ઉઠાવ્યા હતા. લોકહિત પ્રશ્નો અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેના બેનરો પ્રદર્શિત કરી કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કોંગી કોર્પોરેટરોએ બેનરો સાથે સભાગૃહમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા વિજીલન્સની ટીમ સાથે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા.
સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરો પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે બોર્ડ રૂમ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, મનપાની વિજિલન્સ ટીમે તેમને મુખ્ય દ્વાર પર જ અટકાવ્યા હતા. બેનરો સાથે અંદર જવા દેવાનો ઇનકાર કરાતા મામલો ગરમાયો હતો. કોંગી કોર્પોરેટરો અને વિજિલન્સ સ્ટાફ સામસામે આવી જતાં કચેરીના લોબી વિસ્તારમાં ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે મનપા કચેરીમાં થોડીવાર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ સત્તાધીશો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રામનાથ મહાદેવ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટને વાર્ષિક બજેટમાં સામેલ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી તે જમીની સ્તરે પૂર્ણ થયો નથી. શરૂઆતમાં જે ઇન્ટરસેપ્ટર કુંડીઓનું કામ કરવામાં આવ્યું હતું, તેમાંથી અત્યારે એક પણ કુંડી સ્થળ પર ઉપલબ્ધ નથી. ચુનારાવાડ પુલથી રામનાથ મહાદેવ મંદિર થઈને કેસરી પુલ સુધીના ડેવલપમેન્ટનું કામ કેમ અટકેલું છે તેવો સવાલ ઉઠાવી તેમણે પૂછ્યું હતું કે કુંડીઓ પાછળ થયેલો કરોડોનો ખર્ચ હવે કોના માથે નાખવામાં આવશે?
બીજી તરફ, કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનના ખર્ચના બિલો પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. મનપાના વહીવટને ‘ભ્રષ્ટાચારીઓની ટોળકી’ ગણાવતા તેમણે આક્ષેપ કર્યો હતો કે, સામાન્ય રીતે મંડપ સર્વિસમાંથી કોઈ ટેબલ ભાડે રાખવામાં આવે તો તેનું ભાડું રૂ. 300 હોય છે અને સર્વિસમેન સાથે વધુમાં વધુ રૂ. 500 થી 600 નો ચાર્જ થાય. તેની સામે ડિમોલિશનની કામગીરીમાં એક ટેબલનો એક કલાકનો ચાર્જ રૂ. 1000 જેવો તોતિંગ ચૂકવવામાં આવ્યો છે, જે સ્પષ્ટપણે મોટો ભષ્ટ્રાચાર દર્શાવે છે. ડિમોલિશનના નામે રજૂ થયેલા તમામ બિલોમાંથી કેટલા પાસ થયા અને કેટલા પેન્ડિંગ છે તેની તપાસ કરવા અને ભ્રષ્ટાચારની આ રકમ જવાબદાર અધિકારીઓ પાસેથી જ વસૂલવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી.


