ધોરાજીના ઐતિહાસિક ત્રણ દરવાજામાં આગ લાગતાં દોડધામ મચી
ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી શહેરની ઐતિહાસિક ઓળખ સમાન અને ગોંડલ બાપુના સમયના વારસાનું પ્રતીક ગણાતા નગરપાલિકા સંચાલિત ત્રણ દરવાજામાં અચાનક આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે લોકોમાં અફડાતફડી અને આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, ત્રણ દરવાજાના ઉપરના ભાગે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઐતિહાસિક ધરોહર સમાન આ સ્થળે આગ લાગ્યાની જાણ થતાં આસપાસના લોકોમાં ચિંતા પ્રસરી હતી.ઘટનાની જાણ તાત્કાલિક ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
જોકે, ઐતિહાસિક વારસો ધરાવતા ત્રણ દરવાજામાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.


