ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો
પતિના મૃત્યુ બાદ છુટાછેડાનો આદેશ રદ કરી પત્નીને વિધવાનો દરજ્જો અપાયો
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે એક વ્યક્તિના મૃત્યુ બાદ તેના છૂટાછેડાના આદેશ (ડિક્રી)ને રદ કર્યો છે. કોર્ટે આ કેસના વિશેષ તથ્યો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મહિલાને વિધવાનો દરજ્જો આપ્યો અને તેને પતિની સંપત્તિ પરનો અધિકાર પણ આપ્યો. એક દંપતીના લગ્ન 1976માં થયા હતા અને તેમને છ સંતાનો હતા. 2020માં પતિએ આણંદની ફેમિલી કોર્ટમાં પોતાની પત્નીથી છૂટાછેડા માટે અરજી કરી હતી. તેણે આધાર આપ્યો હતો કે પત્નીએ તેનો ત્યાગ કર્યો હતો. પત્નીએ છૂટાછેડાના કેસનો વિરોધ કર્યો નહોતો અને ફેમિલી કોર્ટે લગ્ન સમાપ્ત કરતાં સપ્ટેમ્બર 2022માં છૂટાછેડાનો આદેશ જાહેર કર્યો હતો.
ફેબ્રુઆરી 2024માં તે વ્યક્તિનું અવસાન થયું. તેના 18 મહિના બાદ, ઓગસ્ટ 2025માં મહિલાએ છૂટાછેડાના આદેશને પડકારતા કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેણે પોતાના સંતાનોને પોતાના પૂર્વ પતિના કાનૂની વારસદાર તરીકે પ્રતિવાદી (રિસ્પોન્ડન્ટ) બનાવ્યા હતા. તેના વકીલે દલીલ કરી હતી કે હવે અવસાન પામેલા વ્યક્તિના પક્ષમાં જાહેર કરાયેલા છૂટાછેડાના આદેશને પડકારી શકાય છે.
એવી દલીલ કરવામાં આવી હતી કે વ્યક્તિના અવસાન પછી પણ આદેશને પડકારી શકાય છે, કારણ કે તે પોતાની પાછળ એવી સંપત્તિ છોડી ગયો છે, જે તેના સંતાનો પાસે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો છૂટાછેડાનો આદેશ યથાવત્ રહેશે, તો પતિના અવસાન બાદ મહિલાના વિધવા તરીકેના દરજ્જા અને સંપત્તિ સંબંધિત દાવાઓ પર અસર પડશે.
કેસની સુનાવણી બાદ, જસ્ટિસ આઈ. જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વછાણીની બેન્ચે જણાવ્યું કે બંને પક્ષ ખ્રિસ્તી છે અને કાનૂની પ્રતિનિધિઓ અપીલ કરનાર મહિલાના સંતાનો છે; તેથી કેસ ચલાવવાનો અધિકાર યથાવત્ રહે છે. જો આદેશ જાહેર થાય તે પહેલાં પતિનું અવસાન થયું હોત, તો વ્યક્તિગત કાનૂની કારણ (કોઝ ઓફ એક્શન) સમાપ્ત થઈ જાત અને કેસ પણ સમાપ્ત થઈ ગયો હોત.
આદેશ બાદ પતિ-પત્ની ‘પૂર્વ પતિ-પત્ની’ બની જાય છે, જેના કારણે સંપત્તિના અધિકારો અને સામાજિક પ્રતિષ્ઠા પર અસર પડે છે. બેન્ચે જણાવ્યું, “આવા સંજોગોમાં, કેસનું કારણ વ્યક્તિ સાથે સમાપ્ત થશે નહીં અને કાર્યવાહી સાથે સંકળાયેલા કોઈપણ પક્ષના અવસાન પછી પણ કેસ કરવાનો અધિકાર યથાવત્ રહેશે. સાથે જ સંબંધિત પક્ષને સંબંધિત કોર્ટના નિષ્કર્ષોને પડકારવાનો અધિકાર પણ રહેશે.”
હાઈકોર્ટે જણાવ્યું કે તેથી, કેસના ગુણદોષ પર વધુ ચર્ચા કર્યા વગર અને આ કેસના વિશેષ તથ્યો તથા પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, અમારો અભિપ્રાય છે કે ફેમિલી કોર્ટના તે નિષ્કર્ષને રદ કરવો જોઈએ, જેમાં કહેવામાં આવ્યું હતું કે પત્નીએ જાણબૂઝીને પોતાના સ્વર્ગસ્થ પતિનો ત્યાગ કર્યો હતો. સાથે જ અપીલ કરનાર પત્નીના સંપત્તિ વગેરે સંબંધિત અધિકારો (જો કોઈ હોય)ને ધ્યાનમાં રાખીને, અમે વિવાદિત ચુકાદા અને ડિક્રીને રદ કરવું યોગ્ય માનીએ છીએ.


