સાવરકુંડલામાં ફટાકડા ફેકટરીમાં આગ: ૧૭ વર્ષના કિશોરનું મોત
શોર્ટ સર્કિટથી બનાવ બનતા અફરાતફરી : શ્રમિકોમાં ભય
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં દેશી ફટાકડા બનાવતી વખતે અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક ૧૭ વર્ષીય સગીર વયનો યુવક જીવતો સળગી ગયો હતો જેનું હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, સાવરકુંડલામાં દેશી ફટાકડા તરીકે ઓળખાતા ઈગોરીયા (કોકડા) બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં દારૂગોળાએ પલભરમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં ત્યાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગની લપેટમાં ત્યાં હાજર ૧૭ વર્ષીય યુવક આવી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે સગીર યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ સગીર યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તંત્ર દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


