વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
કોળીવાળા વિસ્તારમાં તંગદિલીનો માહોલ : જુગારધારા અને પોલીસ કામગીરીમાં રૂકાવટ અંગે બે અલગ ગુનાઓ નોંધાવવા તજવીજ : રોકડ અને મોબાઇલ જપ્ત, જુગારીઓ નાસી છુટયા
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
સંવેદનશીલ શહેર એવા જીલ્લા મથક વેરાવળના કોળીવાળા વિસ્તારમાં ચાલતી જુગારની કલબ ઉપટ મંગળવારે મોડીસાંજે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડેલ ત્યારે હંગામો સર્જાયો હતો. SMC ના દરોડાની કાર્યવાહી દરમ્યાન સ્થાનિક લોકોના ટોળાં એકત્ર થઈ જતાં પરિસ્થિતિ તંગ બનતા SMC ના પીઆઈ જે.એચ. સીસોદીયાએ કાયદો-વ્યવસ્થા કાબુમાં રાખવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. જેના પગલે ખળભળાટ મચી ગયો હતો.
આ દરોડા અને હંગામા અંગે મળતી માહિતી મુજબ SMCની ટીમ અત્રેના કોળીવાળા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવા પહોંચી હતી. આ કાર્યવાહી દરમ્યાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયેલ અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ થયો હતો. જો કે, પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા અને ટોળું કાબુ બહાર જવાની સ્થિતિ સર્જાતા પીઆઈ જે.એચ. સીસોદીયાએ આત્મરક્ષા તેમજ ભીડને વિખેરવા માટે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજથી સમગ્ર કોળીવાળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. તો બીજી તરફ વેરાવળ શહેર પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા બાદ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થિતિને કાબૂમાં લીધી હતી.
આ દરોડા દરમ્યાન જુગારમાં સંડોવાયેલા કેટલાક શખ્સો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, પોલીસને સ્થળ પરથી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી છે. આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી હોવાની સત્તાવાર માહિતી હજુ સુધી બહાર આવી નથી. આ સમગ્ર બનાવ અંગે SMCના પીઆઈ જે.એચ. સીસોદીયાએ બનાવની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, જુગાર અંગેની કાર્યવાહી દરમ્યાન સ્થાનિક લોકોના ટોળાં એકત્ર થઈ જતાં કાયદો- વ્યવસ્થા જાળવવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જુગારનો ગુનો તેમજ પોલીસની ફરજમાં હુમલો અને કામગીરીમાં રુકાવટ અંગે બે અલગ-અલગ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ લખાય છે ત્યારે રાત્રે લગભગ 8 વાગ્યા સુધી પોલીસની કાર્યવાહી ચાલુ હતી. હુમલાના પ્રયાસમાં કોણ-કોણ સંડોવાયેલું હતું, કેટલા લોકો સામે ગુનો નોંધાશે તેમજ જુગારના નેટવર્ક અંગેની વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. જો કે, આ સમગ્ર ઘટનાએ શહેર અને પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.


