ગીર સોમનાથ જીલ્લા પોલીસમાં મોટા ફેરબદલથી ચકચાર, 140ની સામુહિક બદલી
ઉના, કોડીનાર, ગીરગઢડા અને નવાબંદર પોલીસ સ્ટેશનોના કર્મીઓની વ્યાપક બદલીથી પોલીસબેડામાં ખળભળાટ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ પોલીસ વિભાગમાં મોટો વહીવટી નિર્ણય લેતાં એકીસાથે 140 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી થતાં સમગ્ર પોલીસ તંત્રમાં ચર્ચા અને ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી દારૂના દુષણ અને કાયદો-વ્યવસ્થાને લઈને ચર્ચામાં રહેલા પોલીસ સ્ટેશનોમાં સૌથી વધુ ફેરબદલ કરવામાં આવ્યો છે.
જેમાં ઉના પોલીસ સ્ટેશનમાંથી 36, કોડીનાર પોલીસ સ્ટેશનમાંથી 28, ગીરગઢડા પોલીસ સ્ટેશનમાંથી 25 તેમજ નવાબંદર પોલીસ સ્ટેશનમાંથી 28 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય પોલીસ મથકોના કર્મચારીઓને પણ અલગ-અલગ સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લાના પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને જવાબદાર બનાવવા માટે આ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલીથી પોલીસ કામગીરીમાં નવી ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જિલ્લામાં દારૂના દુષણ સામે પોલીસની કામગીરી અંગે વારંવાર ઉઠતા પ્રશ્નો અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને પણ આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પોલીસ વડાની આ કાર્યવાહી બાદ સમગ્ર જિલ્લામાં સંદેશો ગયો છે કે ગેરરીતિ કે બેદરકારી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. એસપી જયદીપસિંહ જાડેજાની આ “લાલ આંખ” બાદ પોલીસ બેડામાં ભારે ચર્ચા શરૂ થઈ છે. આગામી દિવસોમાં પોલીસ કામગીરી વધુ અસરકારક બને છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.


