ગીર સોમનાથ જીલ્લા સેવા સદનમાં પડતર પ્રશ્ન અને પગાર મુદ્દે આશા બહેનોનું હલ્લાબોલ
સેંકડો આશા વર્કર બહેનો ઉમટી પડી; ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પ્રતીક ધરણાં શરૂ, સરકાર સામે આક્રોશ વ્યક્ત
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નો ફરી એકવાર ઉગ્ર બનતા જિલ્લા સેવા સદન ખાતે મંગળવારે આશા બહેનો દ્વારા જોરદાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનના નેજા હેઠળ યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો હાજર રહી હતી અને પોતાની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સેંકડો આશા વર્કર બહેનો એકત્રિત થતાં જિલ્લા સેવા સદનનો માહોલ ગરમાયો હતો. આશા બહેનોએ લઘુતમ વેતનનો અમલ, ચાર મહિનાથી બાકી રહેલા વેતનની ચુકવણી, વિવિધ ભથ્થાં અને સેવાકીય હકો સહિતના મુદ્દાઓને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર અને આરોગ્ય વિભાગ સામે નારાજગી વ્યક્ત કરતાં બહેનોએ જણાવ્યું હતું કે આરોગ્ય સેવાઓના પાયાના સ્તરે સતત કામગીરી કરવા છતાં તેમને પૂરતું વળતર અને સમયસર વેતન મળતું નથી.
વિરોધ વધુ તેજ બનતા આશા બહેનોએ જિલ્લા સેવા સદન પરિસરમાં પ્રતીક ધરણાં પણ શરૂ કર્યા હતા. ધરણાં દરમિયાન અનેક બહેનોએ પોતાના પ્રશ્નો રજૂ કરતાં જણાવ્યું હતું કે કોરોના કાળથી લઈને આજ સુધી આરોગ્ય વિભાગના વિવિધ અભિયાનોમાં તેઓ સતત સેવા આપી રહ્યા છે, છતાં તેમની માંગણીઓ પ્રત્યે સરકારનું વલણ ઉદાસીન રહ્યું છે.
આશા વર્કર આગેવાનો હંસાબેન રાઠોડ અને વંદનાબેન સુતરિયાએ આક્રોશભેર જણાવ્યું હતું કે આશા વર્કરોને કર્મચારીનો દરજ્જો, લઘુતમ વેતન અને સમયસર ચૂકવણી જેવી મૂળભૂત માંગણીઓ માટે વારંવાર આંદોલનનો માર્ગ અપનાવવો પડી રહ્યો છે. જો તંત્ર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર લડત અને વ્યાપક આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે થયેલા આ વિરોધ પ્રદર્શનને કારણે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. જોકે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો. આશા બહેનોએ પોતાની માંગણીઓ સંદર્ભે કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


