નગરચર્ચા દરમ્યાન ભગવાન જગન્નાથજીને અપાશે AI અને એન્ટી-ડ્રોનનું સુરક્ષા કવચ
રથયાત્રા પૂર્વે તૈયારીની સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રી: સમગ્ર રૂટનું હજારો CCTV કેમેરા દ્વારા કંટ્રોલરૂમમાંથી સર્વેલન્સ કરાશે
અગ્ર ગુજરાત, અમદાવાદ
આગામી પાવન પર્વ અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રથયાત્રા પૂર્વેની અભેદ સુરક્ષા વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વિવિધ સરકારી વિભાગોની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર પરંપરાગત રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા અને કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ઇમરજન્સી સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોલીસ તંત્રને રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ૨૪ કલાક સંપૂર્ણ સજ્જ રહેવા કડક સૂચના આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે અને સ્થાનિક આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકો કરીને સંવાદ સાધવામાં આવ્યો છે. આ ઉપરાંત, સલામતીના ભાગરૂપે અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. માલિક, સિનિયર આઈપીએસ અધિકારીઓ અનુપમસિંહ ગેહલોત, સંજીવ કુમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને ભવ્ય વર્મા સહિત પોલીસ વિભાગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ રથયાત્રાને નિર્વિઘ્ને પાર પાડવા માટે તૈયાર કરાયેલા વ્યાપક એક્શન પ્લાનની વિગતવાર માહિતી ગૃહ મંત્રી સમક્ષ રજૂ કરી હતી.
ટેક્નોલોજીનો ઉપયોગ થશે
- ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ: રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર હાથીઓની સુરક્ષા અને તેમના લાઈવ લોકેશન મોનીટરીંગ માટે આ ખાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે.
- ‘પ્રતિરક્ષા’ એપ્લિકેશન: યાત્રામાં જોડાનાર તમામ ટ્રકો અને અખાડાના સંચાલકો તેમજ રથયાત્રાના સરઘસમાં ભાગ લેનારા સભ્યોના ઓળખકાર્ડ આધારિત ડિજિટલ વેરિફિકેશન માટે આ એપનો ઉપયોગ કરાશે.
- PINAC સોફ્ટવેર: શંકાસ્પદ તત્વો અને ગુનેગારો પર નજર રાખવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ફેસ રેકગ્નિશન સિસ્ટમ કાર્યરત રહેશે.
- એન્ટી-ડ્રોન ગન અને જામર ટીમ: આકાશી સુરક્ષા અને બિનઅધિકૃત ડ્રોન પર પ્રતિબંધ મૂકવા માટે ખાસ જામર ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત સમગ્ર રૂટ પર હજારો CCTV કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે.


