ગોંડલના કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ભાજપનો ખેસ પહેર્યો
મતદાનને ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યાં કોંગ્રેસને વધુ એક ઝટકો
અગ્ર ગુજરાત, ગોંડલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગોંડલ રાજકારણના કેન્દ્ર સમાન રીબડા ખાતે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજદીપસિંહ જાડેજા ની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપનો સાથ સ્વીકાર્યો છે.
કોલીથડ જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર શૈલેષભાઈ શિવાભાઈ મકવાણા એ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. રિબડા ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રાજદીપસિંહ જાડેજાએ શૈલેષભાઈને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પહેલા રાજદીપસિંહ જાડેજાએ દાળિયા તાલુકા પંચાયત સીટ બિનહરીફ કરાવી હતી, જે બાદ હવે જિલ્લા પંચાયત બેઠક પર પણ કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે.
શૈલેષભાઈ મકવાણાએ જણાવ્યું છે કે “ભાજપ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વિકાસના કામો થયા છે તેનાથી પ્રેરાઈને મેં ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.” તેમજ આ અંગે રાજદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે “કોલીથડ સીટ હેઠળના 24 ગામોમાં હંમેશા ભાઈચારો અને વિકાસની ભાવના રહી છે. આ સમર્થનથી વિકાસની ગતિ વધુ તેજ બનશે.”
કોલીથડ જિલ્લા પંચાયત સીટ નીચે 24 ગામો અને 4 તાલુકા પંચાયત સીટનો સમાવેશ થાય છે જેમાં આંબરડી તાલુકા પંચાયત નીચે આંબેરડી, વણથલી, હડમડીયા, ગરનાળા, મેસપર અને બેટાવડ, દાળિયા તાલુકા પંચાયતની સીટમાં દાળિયા, રીબડા, ગુંદાસરા, રિબ, વાળધરી, મૂંગા વાવડી (બિનહરીફ થયેલ), કોલીથડ તાલુકા પંચાયતની સીટમાં હડમતાળા, વેજા ગામ, લુણીવાવ, અનગઢ, શેમળા તાલુકા પંચાયત ની સીટ માં ભરૂડી, પીપળીયા, મોટા મહીકા, ભુણાવા, નાના મહીકા, પાટીયાળી અને સિંધાવદરનો સમાવેશ થાય છે.
ચૂંટણી પહેલા જ ઉમેદવારના પક્ષપલટાને કારણે હવે કોલીથડ સીટ પર ભાજપનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ માટે પોતાના કાર્યકરો અને ગઢ બચાવવા હવે મોટો પડકાર બની રહેશે.
રાજદીપસિંહ જાડેજા રિબડાએ ગોંડલ શહેર તેમજ તાલુકાની જનતાને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ની ચૂંટણીમાં વધુમાં વધુ લોકો ભાજપ તરફી મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી.


