રાજકોટ જિલ્લાના રાજકારણમાં ગરમાવો
સારા માણસો સત્તા પર આવશે તો અન્યાય ઓછો થશે, રાજકુમાર જાટના પિતાએ વીડિયો જાહેર કર્યો
ગોંડલની શિવરાજગઢ બેઠકના ઉમેદવાર રાજુ સખીયાને જીતાડવા અપીલ, વીડિયો થકી કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ પંથકમાં ચકચારી બનેલા રાજકુમાર જાટ હત્યા કેસના પિતા રતનલાલ જાટે રાજસ્થાનથી એક વીડિયો સંદેશ જાહેર કરીને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે, તેમણે શિવરાજગઢ જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ સખીયાને સમર્થન જાહેર કરી, તેમને વિજયી બનાવવા મતદારોને કરુણ અપીલ કરી છે.
વીડિયોમાં રતનલાલે ભાવુક થતા જણાવ્યું હતું કે, “મેં મારા જીવનના 30 વર્ષ ગોંડલમાં વિતાવ્યા છે. ત્યાંના લોકોએ મને જે પ્રેમ અને ઘર જેવું વાતાવરણ આપ્યું છે તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. પરંતુ, કમનસીબે કેટલાક ગુંડા તત્વોએ ભેગા મળીને મારા દીકરા રાજકુમારની નિર્મમ હત્યા કરી નાખી.”
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે પુત્રની હત્યા બાદ તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને કેસની તપાસ પણ નિષ્પક્ષ રીતે કરવામાં આવી નથી. હાલ તેઓ ગોંડલથી દૂર રાજસ્થાનમાં સ્થાયી થયા છે.
રતનલાલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ સક્રિય રાજનીતિ કરવા માંગતા નથી, પરંતુ ગોંડલની જનતા ફરી કોઈ આવી મુસીબતમાં ન ફસાય તે માટે તેઓ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે રાજુભાઈ સખીયા વિશે વાત કરતા કહ્યું કે તેઓ અત્યંત બહાદુર અને ન્યાયપ્રિય વ્યક્તિ છે. હંમેશા સત્યનો સાથ આપવાની હિંમત ધરાવે છે. ગુંડા તત્વો સામે મજબૂતીથી લડવાની તેમનામાં તાકાત છે. તેમણે કહ્યું, “મેં તો મારો દીકરો ખોઈ દીધો છે, પણ હું નથી ઈચ્છતો કે અન્ય કોઈ પિતાએ પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવવો પડે. જો સારા માણસો સત્તા પર આવશે, તો જ અન્યાય ઓછો થશે.”
આ વીડિયોના માધ્યમથી તેમણે શિવરાજગઢ બેઠકના મતદારોને વિનંતી કરી છે કે, જો ગુંડા તત્વોના ત્રાસમાંથી મુક્ત થવું હોય અને સમાજમાં શાંતિ સ્થાપવી હોય તો રાજુભાઈ સખીયાને મજબૂત બનાવવા અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુંડાઓ સામે લડવા માટે નેતા પાસે નૈતિક તાકાત હોવી જરૂરી છે, જે રાજુભાઈમાં છે.
રાજસ્થાનથી આવેલા આ વીડિયો સંદેશાએ શિવરાજગઢ બેઠક પરના ચૂંટણી સમીકરણોમાં નવો વળાંક લાવી દીધો છે, અને લોકોમાં ન્યાય તથા સુરક્ષાના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે.


