ભારે વરસાદથી રદ થયેલી GPSCની પરીક્ષાઓ હવે તા.૧ ઓગષ્ટે લેવાશે
મોકુફ રાખેલી પરીક્ષાની નવી તારીખ જાહેર કરતુ આયોગ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 26 તારીખે યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉમેદવારોની સુરક્ષા અને માર્ગ વ્યવહારમાં પડેલી મુશ્કેલીઓને ધ્યાને રાખીને આ પગલું ભરવામાં આવ્યું હતું. હવે GPSC દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે, જેથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.
GPSC દ્વારા જાહેર કરવામાં આવેલા નવા શિડ્યુલ મુજબ, અગાઉ મોકૂફ રખાયેલી આ પરીક્ષા હવે આગામી 1 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. આ પરીક્ષા માટે નોંધાયેલા તમામ ઉમેદવારોએ આ નવી તારીખ અને સમયપત્રક મુજબ પોતાની તૈયારીઓ પૂર્ણ કરવાની રહેશે.
મહત્વનું છે કે આ પરીક્ષા GPSC હેઠળ જુદા જુદા 34 વર્ગોની ભરતી માટે આયોજિત કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેનાથી ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આયોગે પરીક્ષા પાછળ ઠેલવાનો નિર્ણય લીધો હતો.
પરીક્ષાની તારીખ લંબાતા ઉમેદવારોને આખરી તૈયારીઓ માટે વધારાનો સમય મળી રહ્યો છે. પરીક્ષામાં બેસનારા ઉમેદવારોએ GPSC દ્વારા જાહેર કરાયેલી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. પરીક્ષા માટે જરૂરી દસ્તાવેજો, પ્રવેશપત્ર સાથે રાખીને નિયત સમયે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની બાબતે પણ ખાસ ધ્યાન રાખવું પડશે.


