જામનગરની સરકારી હોસ્પિટલમાં બનશે કેથેટરાઈઝેશન લેબોરેટરી: આરોગ્ય મંત્રી
મેડિકલ કોલેજમાં નમો મૈત્રી ગોષ્ઠીમાં છાત્રો સાથે સંવાદ યોજાયો
અગ્ર ગુજરાત, જામનગર
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ‘નમો મૈત્રી ગોષ્ઠી’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માત્ર સારા ડોક્ટર જ નહીં, પરંતુ ઉત્તમ માનવી બનવા માટે પણ પ્રેરણા આપી હતી.
મંત્રીએ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહએ પોલેન્ડના બાળકોને આશ્રય આપીને સ્થાપેલા માનવતાના ઉદાહરણને યાદ કર્યું. તેમણે યુવા ડોકટરોને કરુણા અને સેવાભાવ અપનાવવા જણાવ્યું. તબીબી વ્યવસાયને માનવસેવાનું સર્વોત્તમ સાધન ગણાવતા, તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતા, શિસ્ત અને સેવા ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરવા અપીલ કરી.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જામનગરમાં નિર્માણ પામી રહેલા GCTM (ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન) નો ઉલ્લેખ કર્યો. આ કેન્દ્ર ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહ્યું છે અને સંશોધન દ્વારા તેને આધુનિક વિજ્ઞાન સાથે જોડી રહ્યું છે. આનાથી જામનગર વિશ્વના આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન મેળવી રહ્યું છે.
મંત્રીએ જાહેરાત કરી કે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે આગામી સમયમાં કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (કેથ લેબ) વિકસાવવામાં આવશે. આ સુવિધા વિદ્યાર્થીઓ માટે પણ મદદરૂપ થશે.
તેમણે ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં થયેલા વધારાની પણ વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે રાજ્યમાં 6 થી 7 મેડિકલ કોલેજો હતી, જે હવે વધીને 42 થઈ છે.
મંત્રીએ વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે મેડિકલ વિદ્યાર્થીઓને તણાવ અને નિરાશાથી દૂર રહેવા તથા સકારાત્મક માનસિકતા અને આશાવાદી અભિગમ અપનાવવા પ્રોત્સાહિત કર્યા.


