લીઝના લોચા : GMBની લાલિયાવાડીથી અલંગને ગૂંગળામણ
વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે જાણીતું અલંગ હાલ તેના 44 વર્ષના ઇતિહાસના સૌથી કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી મંદીની ગર્તામાં ધકેલાયેલા આ ઉદ્યોગને બેઠો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો તો થયા, પરંતુ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી શિપ રીસાયકલિંગ પોલિસીએ ઉદ્યોગકારોની આશા પર પાણી ફેરવી દીધું છે. આ નવી પોલિસી અપેક્ષા કરતાં નબળી અને નિરાશાજનક સાબિત થઈ છે.
શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડિયા) દ્વારા પોલિસી જાહેર થતા પૂર્વે જીએમબી સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વની માંગ પ્લોટની લીઝની મુદત જે હાલ માત્ર 5 વર્ષની છે, તેને વધારીને 30 વર્ષ કરવાની હતી.
ઉદ્યોગકારોનું માનવું છે કે જો લાંબા ગાળાની લીઝ હોય તો જ બેંકિંગ વ્યવહારો અને મોટા રોકાણો શક્ય બને. જોકે, નવી પોલિસીમાં આ મુદ્દે કોઈ નક્કર ઉકેલ ન આવતા શિપ બ્રેકરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત, પ્લોટમાં ભાગીદારોના નામ ઉમેરવા, કમી કરવા કે પેઢીના નામ બદલવા જેવી વહીવટી પ્રક્રિયાઓ જીએમબીમાં લાંબા સમય સુધી લટકતી રહે છે. આ વિલંબને કારણે ઉદ્યોગકારોને બેંકિંગ લિમિટ અને સરકારી પરવાનગીઓમાં ભારે મુશ્કેલી પડે છે.
હોંગકોંગ કન્વેન્શન મુજબ નાના પ્લોટને મોટા પ્લોટમાં મર્જ કરવાની પ્રક્રિયા પણ પારદર્શક રીતે અમલમાં આવી નથી અને તેનો લાભ મર્યાદિત જૂથ સુધી જ સીમિત રહ્યો હોવાનો આક્ષેપ ઉદ્યોગકારો કરી રહ્યા છે. આ પ્રક્રિયાને સર્વસામાન્ય બનાવવા માટે ઉદ્યોગમાં એકમતા સાથે માંગ ઉઠી રહી છે.
ઉદ્યોગકારોને ટુકડે-ટુકડે નહીં પરંતુ કાયમી રાહતની આવશ્યક્તા અલંગ શિપ રીસાયકલિંગના પ્લોટ ચાર્જ ઘટાડવા, હાઉસિંગ સેસ નાબૂદ કરવી સહિતની બાબતોમાં સમયાંતરે રાહત આપવામાં આવે છે, એટલે કે શિપ રીસાયકલિંગ ઉદ્યોગની માંગણી વ્યાજબી છે તે જીએમબી પણ સ્વીકારે છે. તો આવા પ્રકારની રાહતો કાયમી ઘોરણે આપવામાં આવે તો ઉદ્યોગકારો પણ પોતાના વ્યવસાય માટે લાંબા ગાળાના આયોજનો કરી શકે.
મથાવડાના 9 પ્લોટ પર મોટા જૂથનો ડોળો અલંગની બાજુમાં આવેલા મથાવડા ગામના દરિયાકાંઠે આકાર લઇ રહેલા 9 શિપ બ્રેકિંગ પ્લોટ પર શિપિંગ વ્યવસાયમાં અગ્રણી રહેલા જૂથનો ડોળો છે, અને તે હસ્તગત કરવા માટે રાજકીય ઓથ તળે જીએમબીમાં કાવાદાવા રચવામાં આવી રહ્યા હોવાનો ગણગણાટ પણ જીએમબીની વડી કચેરીમાં ઉઠી રહ્યો છે.


