નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના પરિણામ સ્વરૂપે તા. ૦૩ મે 2026ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 59.75 ટકા એટલે કે 5.32 લાખ મિલિયન ક્યુબિક ફીટ-MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં 9.04 ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં 12.18 ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.
ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ 72.33 ટકાથી વધુ એટલે કે 2.41 લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 59.52 ટકા એટલે કે, 49,338 MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 54.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 49.11 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 43.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 37.12 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. આમ રાજ્યમાં કુલ 5.32 લાખ MCFT એટલે કે 59.75 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ગત વર્ષે એટલે કે તા. 03 મે, 2025 સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં 32.35 ટકા, મધ્ય ગુજરાતમાં 49.09 ટકા, દક્ષિણ ગુજરાતમાં 51.05 ટકા, સૌરાષ્ટ્રમાં 32.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 33.61 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં 02 લાખ MCFTથી વધુ એટલે કે 60.15 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ 4.52 લાખ MCFT એટલે કે 50.71 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો.


