ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.33 અને સામાન્યનું ૯૨.૭૧ ટકા પરિણામ
સુરતની વિદ્યાર્થીની બોર્ડમાં ટોપર : સાયન્સમાં વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ ફરી હાઇએસ્ટ
સાયન્સમાં બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ ૯૮.૬૨ ટકા, દાહોદના લીંબડીનું સૌથી ઓછુ ૪૨.૯૮ ટકા પરિણામ
મોરબી જિલ્લો સતત બીજા વર્ષે પણ ટોપ પર ગત વર્ષ કરતા ૨ ટકાના વધારા સાથે ૯૪.૮૫ ટકા રીઝલ્ટ : સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું ૫૭.૪૪ ટકા : ૨૦૨૫ કરતાં ૨ ટકા ઘટયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૬માં લેવાયેલા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધો.૧૨ સાયન્સનું ૮૪.33 ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧ ટકા પરિણામ જાહેર થયું છે. સામાન્ય પ્રવાહના પરિણામમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યો છે. ધો.૧૨ સાયન્સમાં મોરબી જિલ્લો સતત બીજા વર્ષે ટોપમાં રહ્યો છે. ગત વર્ષ કરતાં ૨ ટકા વધુ પરિણામ સાથે ૯૪.૮૫ ટકા રીઝલ્ટ જાહેર થયું છે. જયારે સૌથી ઓછુ દાહોદ જિલ્લાનું ૫૭.૪૪ ટકા પરિણામ આવ્યું છે. જેમાં ૨ ટકાનો ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ રીઝલ્ટમાં બાજી મારી છે. ઉપરાંત ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ચાર કેન્દ્ર તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્નાવાડાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. જયારે કારઠનું ૬૪.૮૮ ટકા સૌથી ઓછુ પરિણામ આવ્યું છે. ડાંગ જિલ્લો ૯૭.૮૮ ટકા સાથે હાઇએસ્ટ રહ્યો છે. અમદાવાદ શહેર ૮૭.૧૦ ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવે છે.
ધો-12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી. આ રિઝલ્ટમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. 12 સાયન્સમાં 84.65% વિદ્યાર્થિની પાસ થઈ છે. તો 12 સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થિની પાસ થઈ છે. જ્યારે વિદ્યાર્થીઓ અનુક્રમે 84.04% અને 90.10% પાસ થયા છે. 12 સાયન્સમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિકસમાં ફેલ થયા છે તથા સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફેલ થયા છે.
સાયન્સમાં 209 સ્કૂલનું 100% પરિણામ આવ્યું હતું. 22 સ્કૂલનું 10% કરતા પણ ઓછું પરિણામ આવ્યું હતું. ગુજરાતી મીડિયમનું 84.32% અને અંગ્રેજી મીડિયમનું 85.13% રિઝલ્ટ આવ્યું હતું. A ગ્રુપનું 90.79%, B ગ્રુપનું 79.87% અને AB ગ્રુપનું 69.44% રિઝલ્ટ આવ્યું હતું. 1,576 વિદ્યાર્થી A1 અને 11,756 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો હતો. 12 સાયન્સના 4 મુખ્ય વિષયમાં સૌથી વધુ પરિણામ મેથ્સનું 92.76 ટકા આવ્યું છે. જ્યારે 88.91 ટકા સાથે બાયોલોજી બીજા નંબરે તો 85.94 ટકા સાથે કેમિસ્ટ્રી ત્રીજા અને 85.27 ટકા પરિણામ સાથે ફિઝિક્સ ચોથા ક્રમે છે. ધોરણ 12 કોમર્સના મુખ્ય ચાર વિષયમાં સૌથી વધુ અર્થશાસ્ત્રનું 98.24 ટકા, વાણિજ્ય વ્યવસ્થા 97.10 ટકા રિઝલ્ટ સાથે બીજા નંબર પર છે. 95.32 ટકા રિઝલ્ટ સાથે એકાઉન્ટ ત્રીજા અને 93.40 ટકા પરિણામ સાથે આંકડાશાસ્ત્ર ચોથા ક્રમે છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ 100% ચાર કેન્દ્રમાં આવ્યું છે. જેમાં બનાસકાંઠાના તડાવ, બોટાદનું કોટડા, નવસારીનું કાંગવાઈ અને ગીર સોમનાથના પ્રશ્નાવાડા કેન્દ્રનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદના કારઠ કેન્દ્રનું 64.88% આવ્યું હતું. સૌથી વધુ 97.88% પરિણામ ડાંગ જિલ્લાનું આવ્યું હતું, તો સૌથી ઓછું 87.10% પરિણામ અમદાવાદ શહેરનું આવ્યું હતું. 2030 સ્કૂલનું 100% પરિણામ આવ્યું હતું. 13 સ્કૂલનું 10% કરતા પણ ઓછું પરિણામ આવ્યું હતું.
સુરતની નંદિનીએ ગુજરાતમાં ટોપ કર્યું
સુરતની આશાદીપ સ્કૂલે ધોરણ 12 સાયન્સના પરિણામોમાં ફરી એકવાર મેદાન માર્યું છે, જેમાં નંદિની કિશોરભાઈ છોટાળાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. બેંકમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા પિતાની પુત્રી નંદિનીએ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં, ભાડાના રૂમમાં રહીને 500માંથી 479 માર્કસ (95.80 ટકા) મેળવી આશાદીપ સ્કૂલનું નામ રોશન કર્યું છે. નંદિનીની વિદ્વતાનો અંદાજ તેના વિષયવાર ગુણ પરથી લગાવી શકાય છે, જેમાં તેણે ગણિતમાં 100માંથી 100, કેમેસ્ટ્રીમાં 99 અને ફિઝિક્સમાં 97 ગુણ પ્રાપ્ત કર્યા છે, જ્યારે ગુજકેટમાં પણ 120માંથી 118.75 માર્કસ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે.
વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું 5.31 ટકા વધારે પરિણામ
ધો.૧૨ સાયન્સના પરિણામમાં ૨૦૯ શાળાઓનું ૧૦૦ ટકા રીઝલ્ટ જાહેર થયું છે. ગત વર્ષે ૧૯૪ શાળાનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું હતું. આ વર્ષે આ પરિણામમાં ૧૫ શાળાઓનો ઉમેરો થયો છે. જયારે સામાન્ય પ્રવાહમાં ગત વર્ષે ૨૦૦૫ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ હતું. જેની સામે આ વર્ષે ૨૦3૦ જેટલી શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટમાં ઘટાડો થવા છતાં ૧૦૦ ટકા પરિણામ આવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. 2030 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. વિદ્યાર્થીઓનું 90.10 ટકા પરિણામ અને વિદ્યાર્થિનીઓનું 95.41 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનું 5.31 ટકા વધારે પરિણામ આવ્યું છે.
ગુજકેટમાં ૬૯૫ વિદ્યાર્થીઓને એ ગ્રેડ
ધોરણ 12 સાથે ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર કરાયું છે. 1 લાખ 32 હજાર પૈકી 99 પર્સેન્ટાઈલ સાથે 1459 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A ગ્રુપમાં 695 વિદ્યાર્થી, B ગ્રુપમાં 764 વિદ્યાર્થી અને 98 પર્સેન્ટાઈલ સાથે A ગ્રુપના કુલ 1233 અને B ગ્રુપમાં 1563 વિદ્યાર્થી પાસ થયા છે.


