બ્રહ્માકુમારીઝ દ્વારા રાજકોટમાં “૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન”નો પ્રારંભ
યુવાનોને નશામુક્ત બનાવીને જ “વિકસિત ભારત”નું નિર્માણ શક્ય
સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે અભિયાન દાદીજીને સમર્પિત
અગ્ર ગુજરાત, રાજકોટ
વિકસિત ભારત તરફ એક સશક્ત કદમ ઉઠાવવાના ઉમદા અને પવિત્ર આશય સાથે, બુધવારે સાંજે રાજકોટના ગોંડલ રોડ સ્થિત ‘જ્યોતિ દર્શન’ ભવન ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત ‘૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન’નો શુભારંભ કાર્યક્રમ અત્યંત સફળતાપૂર્વક અને હૃદયસ્પર્શી વાતાવરણમાં સંપન્ન થયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં એક નવી આશા અને અદમ્ય નિશ્ચય જોવા મળ્યો હતો. અનેક લોકોએ પોતાના મનોબળથી વ્યસનની લોખંડી સાંકળો તોડવાનો અને એક નવું જીવન શરૂ કરવાનો નિર્ધાર કર્યો. જ્યારે સભામાં ઉપસ્થિત સૌએ એકસાથે નશામુક્તિની પ્રતિજ્ઞા લીધી, ત્યારે સમગ્ર વાતાવરણ એક અનોખી દિવ્ય ઊર્જા અને ભાવનાત્મક સ્પંદનોથી ભરાઈ ગયું હતું.
આધુનિક ટેક્નોલોજીનો સમન્વય સાધીને ઉપસ્થિત લોકોએ QR કોડ સ્કેન કરીને ડિજિટલ માધ્યમથી પણ પોતાની ‘નશામુક્તિ પ્રતિજ્ઞા’ નોંધાવી હતી. કાર્યક્રમના આરંભે તમામ અતિથિઓનું દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ બ્રહ્માકુમારી અંજુ બહેને “૧૦ કરોડ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન” નો મુખ્ય હેતુ સ્પષ્ટ કર્યો.
તેમણે જણાવ્યું કે નશો એ માત્ર એક વ્યક્તિની શારીરિક બીમારી નથી, પરંતુ તે આખા પરિવાર અને સમાજનો વિનાશ કરે છે. બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત આ અભિયાનનો ધ્યેય લાખો યુવાનો અને પરિવારના સભ્યોને નશામાંથી મુક્ત કરી એક સુંદર અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાનો છે. ૧૦ કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન”નો જિલ્લા કક્ષાનો પ્રારંભ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એસ. ઓ. જિ. વિભાગના નિલેશભાઈ ચૌધરી ,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મિલનભાઈ પંડિત, તબીબી અને સામાજિક ક્ષેત્રના અનેક ગણમાન્ય અતિથિઓ, બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોનના નિર્દેશિકા રાજયોગિની ભારતી દીદીજી, મેડિકલ વિંગના કોઓર્ડિનેટર બી કે ભગવતી દીદી બ્રહ્માકુમારી રાજકોટના દરેક સેવા કેન્દ્રના બહેનો સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય દર્શિતાબેન શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે તણાવ અને ખરાબ સંગત એ વ્યસનના મુખ્ય કારણો છે. યુવાનોને નશામુક્ત બનાવીને જ “વિકસિત ભારત”નું નિર્માણ શક્ય છે. તેમણે ઉપસ્થિત સૌને “સ્વ-સંકલ્પથી રાષ્ટ્ર-સંકલ્પ”નો સંદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બ્રહ્માકુમારીઝ દ્વારા દેશભરમાં 20 ઓગસ્ટ સુધી નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો છે. દેશભરના 6 હજારથી વધુ સેવાકેન્દ્રો અને 50 હજાર પાઠશાળાઓમાં નશા મુક્તવીરો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે.


