ગોંડલમાં એકલવાયું જીવન જીવતા બીમાર પ્રૌઢની વહારે આવ્યું ‘શિવમ સાર્વજનિક ટ્રસ્ટ’
ટ્રસ્ટના હોદ્દેદારોએ એમ્બ્યુલન્સ સાથે દોડી જઈ પ્રૌઢને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, “દર્દી દેવો ભવઃ” નું સૂત્ર સાર્થક કર્યું
અગ્ર ગુજરાત, ગોંડલ:
ગોંડલ શહેરમાં માનવતા અને સેવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એકલવાયું અને અસહાય જીવન જીવતા પ્રૌઢની વહારે આવીને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમે સાચા અર્થમાં માનવ ધર્મ નિભાવ્યો છે. ગોંડલના લાલપુલ પાસે શૈલેષભાઈ મોહનભાઈ રવૈયા (ઉ.વ.55) નામના પ્રૌઢ એકલવાયું જીવન જીવી રહ્યા છે અને તેમની તબિયત અત્યંત લથડી ગઈ હતી. જાગૃત નાગરિક દ્વારા શૈલેષભાઈની આ ગંભીર પરિસ્થિતિની તાત્કાલિક જાણ ગોંડલના જાણીતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડને કરી હતી.
ઘટનાની ગંભીરતા સમજીને સમય સૂચકતા વાપરી, શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ તેમજ તેમની ટીમના સભ્યો જગાભાઈ બાંભવા અને વ્યાજબીભાઈ, નરેશભાઈ, નીતિનભાઈ, જીતુભાઈ સહિતના સેવકો ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના એમ્બ્યુલન્સ લઈને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ”અસહાય શૈલેષભાઈની વહારે આવી ટીમે ‘દર્દી દેવો ભવઃ’ ના મંત્રને ચરિતાર્થ કર્યો અને હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર અપાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.”
શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમે બીમાર શૈલેષભાઈને તેમના ઘરેથી આદરપૂર્વક લઈ જઈ તાત્કાલિક સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. એટલું જ નહીં, હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ શૈલેષભાઈને તાકીદે ઈમરજન્સી સારવાર મળી રહે તે માટે આખી ટીમ હોસ્પિટલ પ્રશાસન સાથે મદદરૂપ બની રહી હતી.


