ઓનલાઇન બેટીંગ પર ગુજરાત, દમણ સહિત ૧૭ જેટલા સ્થળોએ EDના દરોડા
વિવિધ બેંક ખાતાના 3.૮ કરોડ ફ્રીઝ કરાયા : સટ્ટાબાજીથી એક વર્ષમાં 3૦૦૦ કરોડની આવક ઉભી કરી
અગ્ર ગુજરાત, અમદાવાદ
ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ “Parimatch” કેસ મામલે EDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ દેશના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ સહિત કુલ 17 જેટલા સ્થળોએ દરોડા પાડીને સમગ્ર સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ, બેટિંગ પ્લેટફોર્મ Parimatch કેસમાં EDએ મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, દમણ, UP સહિતના 17 સ્થળોએ દરોડા પાડ્યા છે.
આ દરોડા દરમિયાન EDએ સપાટો બોલાવતા રૂપિયા 1.56 કરોડની ચલ સંપત્તિ અને રૂ. 1.2 કરોડની રોકડ રકમ સ્થળ પરથી જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત, શંકાસ્પદ વ્યવહારો ધરાવતા વિવિધ બેંક ખાતાઓને તાત્કાલિક અસરથી સ્કેન કરીને તેમાં રહેલા 3.8 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.
EDની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય રોકાણકારોને ટૂંકા સમયમાં ઊંચા નફાની લાલચ આપીને હજારો કરોડ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. તપાસ દરમિયાન એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના નેટવર્કે માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં 3000 કરોડ રૂપિયાથી વધુની અધધ આવક ઊભી કરી હતી. આ કાળા નાણાંની હેરફેર માટે સ્થાનિક સ્તરે બિઝનેસ કરસ્પોન્ડન્ટ (BC) નેટવર્ક અને સામાન્ય કિરાણા સ્ટોર્સના બેંક ખાતાઓનો દુરુપયોગ કરવામાં આવતો હતો.
એટલું જ નહીં, ભારતીય રોકાણકારો પાસેથી ખંખેરેલા આ કરોડો રૂપિયા ગેરકાયદેસર હવાલા મારફતે વિદેશમાં મોકલી દેવાયા હોવાના મજબૂત પુરાવા પણ EDને હાથ લાગ્યા છે. પોતાની આ કાળી કમાણીને છુપાવવા અને બજારમાં કાયદેસરતા મેળવવા માટે આ કંપનીએ “Parimatch Sports” નામે સરોગેટ જાહેરાતોનો સહારો લીધો હતો, જેના અંતર્ગત દેશના 15થી વધુ રાજ્યોમાં સ્થાનિક ક્રિકેટ લીગ સ્પોન્સર કરવામાં આવી રહી હતી. આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ED અત્યાર સુધીમાં કુલ રૂ. 112 કરોડની વિરાટ સંપત્તિ ફ્રીઝ કરી ચૂકી છે અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા માથાઓની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.


