પાટીદાર યુવકને ફડાકા ઝીંકતા ભાજપના ધારાસભ્ય લાડાણી
મારામારી અને બેફામ ગાળો ભાંડી હોવાનો વીડિયો વાયરલ, મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ
અગ્ર ગુજરાત, જૂનાગઢ
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો બેફામ વાણીવિલાસ અને દાદાગીરી કરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે, જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ વાઇરલ વીડિયોમાં ધારાસભ્ય બાઈક પર આવેલા એક પાટીદાર યુવક પર હુમલો કરતા અને તેને મા-બહેન સામે ભૂંડી ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. માણાવદરના આ યુવકે સમગ્ર ઘટના પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધી હતી.
આ સમગ્ર વિવાદ પાછળનું કારણ એવું સામે આવ્યું છે કે, નવરાત્રિ દરમિયાન આ યુવકે ‘ગોધરીયો’ નામના શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ બાબતનો ખાર રાખીને ધારાસભ્ય અરવિંદ લાડાણીએ યુવકને આંતરીને તેના પર હુમલો કર્યો હતો. વીડિયોમાં ધારાસભ્ય યુવકને ‘તારા બાપની ગરબી છે?’ તેમ કહીને માર મારતા અને બેફામ શબ્દો બોલતા સંભળાય છે. આટલું જ નહીં, ધારાસભ્યએ ઉશ્કેરાઈને યુવકને એમ પણ કહ્યું હતું કે તારો ધંધો મૂકીને માણાવદરમાંથી નીકળી જજે, તેમજ “તારા હોય એટલા લાવજે, તને કોઈપણની હવા હોય તો કાઢી નાખજે” તેવી ખુલ્લી ધમકી પણ આપી હતી.
આ સમગ્ર મામલે જ્યારે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે પોતાનો બચાવ કરતા સમગ્ર ઘટનાનો સ્વીકાર કર્યો હતો. અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, આ યુવક મારા વિરુદ્ધ ઘણા અપશબ્દો બોલતો હતો અને મારા વિરોધની વાતો કરતો હતો, જેના કારણે આ ચર્ચા અને ઝઘડો થયો હતો.
માણાવદરના પાટીદાર યુવક મનીષ ઝાલાવાડીએ જણાવ્યું હતું કે, અમે દર વર્ષે માં ઉમા ખોડલ નવરાત્રિ મહોત્સવ કરીએ છીએ. તે દરમિયાન અરવિંદભાઈએ અન્ય સમાજની નવરાત્રિમાં 25,000 રૂપિયાનો ફાળો લખાવ્યો હતો, તેનો વીડિયો અન્ય સમાજવાળાએ અમને મોકલ્યો અને અમે અમારા નવરાત્રિના ગ્રુપમાં મૂક્યો હતો. એનો ખાર રાખીને અરવિંદભાઈએ મને બેફામ ગાળો આપી હતી અને તમે કોઈ ગમતા નથી તેવું કહી મારા પર હુમલો કરવાની સ્થિતિ ઊભી કરી હતી.
અગાઉ પાંચ મહિના પહેલા રાત્રે 11:30 વાગે અરવિંદભાઈના ડ્રાઈવરે નશામાં બે વાર ફોન કરીને મારા પરિવાર અને છોકરા સામે ગાળો આપી હતી અને નવરાત્રિમાં પણ નશામાં અસભ્ય વર્તન કરતા મેં તેને ધારાસભ્યનો ડ્રાઈવર હોવાનું કહ્યું હતું. તે સમયે ગોધરિયા શબ્દ બોલાયો હતો. નવરાત્રિના સાતમા નોરતે 20 જણા મારા ઘરે હુમલો કરવા આવ્યા, પછી કેમિકલના ગોડાઉન અને જૂનાગઢમાં મારા ઘરે પણ હુમલા થયા તથા ફોન પર ધમકીઓ મળી.
સમાધાન માટે પાટીદાર આગેવાનોને મોકલ્યા છતાં અરવિંદભાઈએ ના પાડી. આજે બપોરે મારા પર હુમલો કરી મને મા-બહેન સામે ભૂંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને માણાવદરનો ધંધો બંધ કરી જવાની ધમકી મળતા મેં અડધા ભાવે માલ વેચી નાખ્યો છે અને હવે અમે જૂનાગઢ તરફ જઈશું. ધારાસભ્યના ત્રાસના કારણે હવે અમારે ઇજરત કરવાનો વારો આવ્યો છે.


