સરધારની દરગાહમાં ઝેરી દવા પી ભગવતીપરાના વૃદ્ધે જીવન ટૂંકાવ્યું
78 વર્ષીય દાઉદી વ્હોરા સમાજના વૃદ્ધ લાંબા સમયથી હાથ-પગના દુઃખાવાથી પરેશાન હતા
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે સરધાર ગામે આવેલી દાઉદી વ્હોરા સમાજની દરગાહ ખાતે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં અંતે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ભગવતીપરામાં મોડર્ન સ્કૂલ નજીક રહેતા 78 વર્ષીય બદ્દરૂદ્દીનભાઈ અબ્દુલહુસેનભાઈ લક્ષ્મીધર ગત 5 જૂને સવારે ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સાંજના સમયે સરધાર સ્થિત દાઉદી વ્હોરા સમાજની દરગાહ ખાતે તેઓ બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તબીબી તપાસ દરમિયાન તેમણે કોઈ ઝેરી પદાર્થનું સેવન કર્યું હોવાનું સામે આવતા સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર બાદ તેમની તબિયતમાં થોડો સુધારો જણાતા પરિવારજનોએ તેમને ઘરે લઈ ગયા હતા. જોકે ગત સાંજે તેમની તબિયત ફરીથી લથડતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. હોસ્પિટલ ચોકી દ્વારા ઘટનાની જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બદ્દરૂદ્દીનભાઈ લાંબા સમયથી હાથ અને પગના દુઃખાવાની સમસ્યાથી પીડાતા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, આ શારીરિક તકલીફોથી કંટાળી જઈ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
મૃતક પાંચ ભાઈ અને પાંચ બહેનોના પરિવારમાં આઠમા ક્રમે હતા. તેમના પરિવારમાં બે પુત્રો છે. તેઓ રેલનગર વિસ્તારમાં સ્ટવ રિપેરિંગનું કામ કરીને જીવનનિર્વાહ કરતા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


