રાજુલા નાગરિક બેંકમાં લીધેલી લોન ન ભરનારને ૧ વર્ષની સાદી કેદ
રૂ. ૯૪,૨૦૦ ૯% ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ
અગ્ર ગુજરાત, રાજુલા
રાજુલા નાગરિક સહકારી બેન્કમાંથી લોન લઈ ભરપાઈ ન કરનાર સામે કોર્ટ દ્વારા સાદી કેસની સજા ફટકારવામાં આવી છે. બેંકમાંથી લોન મેળવી નિયમિત હપ્તા ન ભરી ચેક રિટર્ન કરાવનાર આરોપી રાજુભાઈ ચાંદભાઈ ખોખરને રાજુલાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે દ્વારા એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કેસની વિગત મુજબ, આરોપી રાજુભાઈએ બેંકમાંથી લોન લીધી હતી અને તેના પેટે એડવાન્સ ચેક આપ્યો હતો. લોનના ચડત હપ્તા અંગે બેંક પ્રશાસન દ્વારા રૂબરૂ, મૌખિક અને લેખિતમાં વારંવાર જાણ કરવા છતાં આરોપીએ રકમ ભરપાઈ કરી ન હતી. જેથી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સૂચનાથી મેનેજર જીગ્નેશભાઈ એમ. જોશી તથા લોન ઓફિસર મહેશભાઈ જે. ઠાકરે રાજુલાની મહે. પ્રિન્સિપાલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટમાં કેસની ન્યાયિક પ્રક્રિયા ચાલતા ફરિયાદ પક્ષના વકીલ આર.બી. જોશીએ ધારદાર પુરાવા અને દલીલો રજૂ કર્યા હતા. જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ ચેક રિટર્ન થયાની તારીખ ૦૯.૧૧.૨૦૨૧ થી વાર્ષિક ૯% સાદા વ્યાજ સાથે રૂ. ૯૪,૨૦૦ની વળતર રકમ બે માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે. જો આરોપી આ વળતર ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેણે વધુ બે માસની જેલની સજા ભોગવવી પડશે. રાજુલા નાગરિક બેંકમાં અગાઉ પણ એક બાકીદારને કોર્ટે સજા કરી હતી અને હવે આ બીજા કિસ્સામાં કડક સજા થતાં લોન ન ભરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે બેંકના નવનિયુક્ત ચેરમેન વિજયભાઈ કોટીલા વાઇસ ચેરમેન કશ્યપભાઈ ડી. પારેખ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જણાવાયું છે કે, આગામી દિવસોમાં બેંકની લોન રિકવરી પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શી બનાવવામાં આવશે.


