હવે દેશભરમાં મેડિકલ પ્રવેશ પ્રક્રિયાનો થશે પ્રારંભ
રી-નીટનું પરિણામ જાહેર, 11.21 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય
બે વિદ્યાર્થીઓએ 720માંથી 715 ગુણ સાથે ટોપ કર્યું; હવે MCC અને રાજ્ય કાઉન્સેલિંગ પર સૌની નજર, કટ-ઓફ ઊંચી રહેવાની શક્યતા
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશની સૌથી મહત્વપૂર્ણ મેડિકલ પ્રવેશ પરીક્ષા ગણાતી રી-નીટ (NEET-UG)નું પરિણામ જાહેર થતાં લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. પેપર લીક અને વિવાદ બાદ ફરી લેવાયેલી પરીક્ષામાં દેશભરમાંથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 11.21 લાખથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે. હવે એમબીબીએસ, બીડીએસ તેમજ આયુષ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે.
આ વર્ષે પંજાબના આર્યન ગુપ્તા અને હરિયાણાના પ્રશુલ બંસલે 720માંથી 715 ગુણ મેળવી દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પરિણામમાં 19 વિદ્યાર્થીઓએ 700થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 138 વિદ્યાર્થીઓએ 690થી 700 વચ્ચે ગુણ મેળવ્યા છે. ટોચના 138 વિદ્યાર્થીઓમાંથી આશરે 93 ટકા વિદ્યાર્થીઓએ પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવી હોવાનું સામે આવ્યું છે. હવે તમામ વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનો તબક્કો કાઉન્સેલિંગનો રહેશે. ઉમેદવારો તેમના સ્કોરકાર્ડના આધારે ઓલ ઈન્ડિયા ક્વોટા તથા રાજ્ય ક્વોટા હેઠળ વિવિધ મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. દેશમાં સરકારી અને ખાનગી મળી કુલ 823 મેડિકલ કોલેજોમાં 1,36,939 એમબીબીએસ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત બીડીએસ, બીએએમએસ, બીએચએમએસ, બીયુએમએસ અને અન્ય આયુષ કોર્સમાં પણ પ્રવેશ મળશે. કટ-ઓફ અંગે કોચિંગ નિષ્ણાતોના અંદાજ મુજબ જનરલ અને EWS વર્ગમાં 620થી 650 ગુણ સુધીની સ્પર્ધા રહી શકે છે. OBC માટે 545થી 615, SC માટે 420થી 550 અને ST માટે 400થી 520 ગુણ સુધી કટ-ઓફ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે વાસ્તવિક કટ-ઓફ બેઠકોની ઉપલબ્ધતા, ઉમેદવારોની પસંદગી અને કાઉન્સેલિંગના રાઉન્ડ મુજબ બદલાઈ શકે છે.
મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે પરિણામ કરતાં પણ વધુ મહત્વનો તબક્કો યોગ્ય પસંદગી, દસ્તાવેજોની તૈયારી અને સમયસર કાઉન્સેલિંગમાં ભાગ લેવાનો રહેશે. એક પણ સમયમર્યાદા ચૂકી જવાથી મનપસંદ કોલેજ મેળવવાની તક ગુમાવવાનો વારો આવી શકે છે.
હવે આગળ શું?
કાઉન્સેલિંગ પ્રક્રિયા થશે શરૂ
રી-નીટનું પરિણામ જાહેર થતાં હવે ઓલ ઈન્ડિયા અને રાજ્ય કાઉન્સેલિંગ શરૂ થશે. વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન, કોલેજ ચોઈસ ફિલિંગ, દસ્તાવેજ ચકાસણી અને સીટ એલોટમેન્ટની તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી પડશે.
કયા કોર્સમાં મળશે પ્રવેશ?
માત્ર MBBS નહીં, અનેક વિકલ્પ ખુલ્યા
નીટના આધારે MBBS ઉપરાંત BDS, BAMS, BHMS, BUMS, BSMS, BVSc તથા અન્ય અનેક મેડિકલ અને આયુષ કોર્સમાં પણ પ્રવેશ મળશે. ગુણ અને રેન્ક મુજબ વિદ્યાર્થીઓને વિવિધ વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
કટ-ઓફ કેમ રહેશે ઊંચી?
સ્પર્ધા કડક, સારી કોલેજ માટે વધુ ગુણ જરૂરી
11 લાખથી વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થતાં આ વર્ષે સ્પર્ધા વધુ કઠિન બનવાની સંભાવના છે. ખાસ કરીને સરકારી મેડિકલ કોલેજોમાં મર્યાદિત બેઠકો હોવાથી ટોચની કોલેજ માટે ઊંચા ગુણ જરૂરી બની શકે છે.
દસ્તાવેજો રાખો તૈયાર
આ કાગળો વગર પ્રવેશ અટકી શકે
કાઉન્સેલિંગ દરમિયાન NEET સ્કોરકાર્ડ, એડમિટ કાર્ડ, ધોરણ 10 અને 12ની માર્કશીટ, આધાર કાર્ડ, ફોટોગ્રાફ, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે), EWS/PwD પ્રમાણપત્ર સહિતના જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી રહેશે.
મહત્વની સલાહ
સમયમર્યાદા ચૂકશો નહીં, કાઉન્સેલિંગની દરેક તારીખ, મોપ-અપ રાઉન્ડ અને અપગ્રેડેશન પ્રક્રિયા પર સતત નજર રાખવી જરૂરી છે. સત્તાવાર સૂચનાઓનું નિયમિત પાલન કરવાથી જ મનપસંદ કોલેજ અને કોર્સ મેળવવાની શક્યતા વધશે.


