ભૂજમાં ખાતેદારનો દાખલો આપવા રૂ.૫૦ હજારની લાંચ લેતા તલાટી ઝડપાયો
ACBની સફળ ટ્રેપ : ૪૦ હજારની માંગણી બાદ રૂ.3૫ હજારમાં સોદો પતાવ્યો અને ટીમ ત્રાટકી
અગ્ર ગુજરાત, કચ્છ
કચ્છ જિલ્લાના મુખ્યાલય ભુજ ખાતે લાંચરુશવત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટ અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો છે. ભુજમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી ચંદુ હરણે એક અરજદાર પાસે ખેડૂત ખાતેદારનો દાખલો આપવાના બદલામાં ગેરકાયદેસર નાણાંની માગણી કરી હતી. શરૂઆતમાં તલાટીએ રૂ.40 હજારની માગણી કરી હતી, પરંતુ રકઝક બાદ આખરે ₹૩૫ હજારમાં સોદો નક્કી થયો હતો.
લાંચ આપવા ન માંગતા જાગૃત નાગરિકે આ મામલે તાત્કાલિક ACBનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે ભુજ ખાતે આવેલી પ્રાંત અને મામલતદાર કચેરી પરિસરમાં જ સટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ જ્યારે ફરિયાદી પાસેથી રેવન્યુ તલાટી ચંદુ હરણ રૂ.35 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
ટ્રેપ દરમિયાન ACBએ લાંચની સંપૂર્ણ રૂ.35 હજારની રકમ રોકડા મુદ્દામાલ તરીકે કબજે કરી લીધી છે. લાંચિયા રેવન્યુ તલાટી ચંદુ હરણ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (એન્ટી કરપ્શન એક્ટ) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચેરીમાં જ સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાતાં સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.


