પોરબંદરથી 10 માસની બાળકીનું અપહરણ કરનાર ચાર આરોપી ઝડપાયા
વેરાવળ પોલીસની ટીમે અપહૃત બાળકીને સુરક્ષિત છોડાવી પોરબંદર પોલીસને સોંપી
અગ્ર ગુજરાત, રાજકોટ
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 10 મહિનાની બાળકીના અપહરણના ગંભીર ગુનાનો ભેદ વેરાવળ પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડી અપહૃત બાળકીનો સુરક્ષિત બચાવ કર્યો છે. આરોપીઓ પાસેથી બાળકીને મુક્ત કરાવી પોરબંદર પોલીસને સોંપવામાં આવી હતી.
જુનાગઢ રેન્જના આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા તથા ડીવાયએસપી ચેતન ખટાણાના માર્ગદર્શન હેઠળ અપહરણ, પોક્સો અને અન્ય ગંભીર ગુનાઓમાં આરોપીઓને ઝડપવા વિશેષ સૂચના આપી હતી. જેમાં પોરબંદરના કેસમાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ 139(1), 309(4) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદી મનિષાબેન નિશાન ઉર્ફે વિશાલ લાલજીભાઈ સાદીયાની 10 મહિના 12 દિવસની પુત્રી ધ્રુવીનું આરોપીઓએ અપહરણ કરી લીધું હતું. ફરિયાદ મુજબ આરોપીઓ બાળકીને ભીખ મંગાવવાના ઇરાદે માતાના હાથમાંથી બળજબરીપૂર્વક ઝૂંટવી લીધેલ અને ફરિયાદીનો મોબાઇલ ફોન પણ લૂંટી ફરાર થઈ ગયા હતા.
આ ગંભીર બનાવની જાણ થતાં વેરાવળ સિટી પોલીસના પીઆઈ એમ.એ. ઝણકાતના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પોલીસ સાથે સતત સંકલન રાખી ટેક્નિકલ અને મેદાની તપાસના આધારે આરોપીઓના ઠેકાણા સુધી પહોંચી ગણતરીની કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અપહૃત બાળકીનો સુરક્ષિત બચાવ કરી પોરબંદર પોલીસને સોંપવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓમાં નરશી શીવાભાઈ ભાટી (ઉ.વ.25), કિશન શીવાભાઈ ભાટી (ઉ.વ.22), સોમાભાઈ મોતીભાઈ ભાટી (ઉ.વ.35) અને સોનલબેન સોમાભાઈ ભાટી (ઉ.વ.30)નો સમાવેશ થાય છે. ચારેય આરોપીઓ વેરાવળ બાયપાસ ખાતે સોલંકી ટાયરની સામે રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં વેરાવળ સિટી પોલીસના આર.પી. ડોડીયા, કે.જે. પીઠીયા, દીપક અખીયા, વિનયસિંહ મોરી, મયુરસિંહ ગોહિલે મહત્વપૂર્ણ ફરજ બજાવી હતી. ગીર સોમનાથ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે એક માસૂમ બાળકીનો સમયસર બચાવ શક્ય બન્યો છે.


