જીવાપરમાં 14 વર્ષના સગીરને માર મારી ઝેરી દવા પીવડાવ્યાનો આક્ષેપ, સિવિલમાં સારવાર હેઠળ
સગીરે ભાઈને ફોન કરીને રાકેશ અને સૂર્યાના નામ સાથે કર્યો ગંભીર આક્ષેપ, પોલીસે તપાસ શરૂ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જીવાપર ગામમાં 14 વર્ષના સગીરને માર માર્યા બાદ ઝેરી દવા પીવડાવ્યાનો ગંભીર આક્ષેપ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના સમયે પરિવારના તમામ સભ્યો મોટા પુત્રની સારવાર માટે હોસ્પિટલ ગયા હોવાથી સગીર ઘરે એકલો હતો. બનાવ બાદ સગીરે પોતાના ભાઈને ફોન કરીને બે વ્યક્તિઓએ માર મારીને ઝેરી દવા પીવડાવી હોવાની જાણ કરતા પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. હાલ સગીરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મળતી વિગતો મુજબ, જીવાપર ગામે અબુભાઈની વાડીમાં રહેતો 14 વર્ષીય પ્રદીપ દુનિયાભાઈ વસુનીયા સાંજના સમયે પોતાના ઘરે એકલો હતો. આ દરમિયાન ગામમાં જ રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની એવા રાકેશ અને સૂર્યા તેની પાસે આવ્યા હતા. બંને વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થયા બાદ સગીરને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ઝેરી દવા પીવડાવી દેવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
પરિવારના જણાવ્યા પ્રમાણે, પ્રદીપ છ ભાઈ અને ત્રણ બહેનમાં સૌથી નાનો છે. તેના પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે અને પરિવાર ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. મોટા ભાઈની તબિયત ખરાબ હોવાથી પરિવારના તમામ સભ્યો તેને જોવા ગોંડલ હોસ્પિટલ ગયા હતા, જ્યારે પ્રદીપ ઘરે એકલો હતો. તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હોવાનું જણાવાયું છે.
ઘટના બાદ પ્રદીપે પોતાના ભાઈને ફોન કરીને રડતા અવાજે જણાવ્યું હતું કે રાકેશ અને સૂર્યાએ તેની સાથે મારપીટ કરી ઝેરી દવા પીવડાવી છે. આ માહિતી મળતાં પરિવારજનો તાત્કાલિક જીવાપર પહોંચ્યા હતા અને સગીરને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી તરીકે નામ સામે આવેલા રાકેશ અને સૂર્યા પણ પ્રદીપના મૂળ ગામના જ વતની છે અને બંને પરિવારો વચ્ચે અગાઉથી પરિચય હતો. જોકે આ બનાવ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સગીરની સારવાર ચાલુ છે અને તેની તબિયત પર તબીબોની નજર છે.


