ખજાના ખાલી, ઉધાર વધી રહ્યું છે
18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર
રાજ્યોની તિજોરી પર ત્રિગુણું દેવું, છેલ્લા 10 વર્ષમાં રાજકોષીય ખાધની મર્યાદા વટાવી, વધતા ઉધાર અને ખર્ચે નાણાકીય શિસ્ત અંગે ચિંતા ઊભી કરી
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશના રાજ્યોની નાણાકીય સ્થિતિ અંગે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા રજૂ કરાયેલા તાજા અહેવાલે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન રાજ્યો પરનું કુલ દેવું અને અન્ય નાણાકીય જવાબદારીઓમાં જંગી વધારો નોંધાયો છે. વર્ષ 2015-16માં આશરે રૂ.31 લાખ કરોડ જેટલી રહેલી સંયુક્ત જવાબદારીઓ 2024-25માં વધીને રૂ.90.51 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. એટલે કે દસ વર્ષમાં તેમાં 190 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
અહેવાલ મુજબ દેશના 28 રાજ્યોમાંથી 18 રાજ્યોએ 2024-25 દરમિયાન કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (GSDP)ના 3 ટકા સુધીની રાજકોષીય ખાધની મર્યાદા વટાવી દીધી છે. આ સ્થિતિ કોરોના મહામારીના સમયમાં સર્જાયેલી નાણાકીય મુશ્કેલીઓની યાદ અપાવે છે. રાજ્યોની આવકની સરખામણીએ ખર્ચ ઝડપથી વધી રહ્યો હોવાથી ખાધમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
મેઘાલય સૌથી વધુ 8.69 ટકા રાજકોષીય ખાધ સાથે પ્રથમ સ્થાને રહ્યું છે. નાગાલેન્ડ 6.14 ટકા અને સિક્કિમ 5.59 ટકા ખાધ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. ગુજરાત, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને ઓડિશા સહિત 14 રાજ્યોમાં રાજકોષીય ખાધમાં એક વર્ષ દરમિયાન 25 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
રાજ્યોની નાણાકીય સ્થિતિમાં વધુ એક ચિંતાજનક પાસું મહેસૂલ ખાધનું છે. વર્ષ 2024-25માં 15 રાજ્યો મહેસૂલ ખાધમાં રહ્યા હતા અને તેમની કુલ ખાધ રૂ.3.46 લાખ કરોડ સુધી પહોંચી હતી. નિષ્ણાતોના મતે વિકાસલક્ષી મૂડીરોકાણ કરતાં દૈનિક વહીવટી ખર્ચ અને પગાર-ભથ્થાં માટે વધતા ઉધાર રાજ્યની નાણાકીય તંદુરસ્તી માટે લાંબા ગાળે જોખમી સાબિત થઈ શકે છે.
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે રાજ્યોની કુલ જવાબદારીઓ હવે તેમના સંયુક્ત GSDPના 27.89 ટકા સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ કેન્દ્ર સરકારનું દેવું GDPના 55 ટકાથી વધુ છે. નાણાકીય જવાબદારીઓ માટે નિર્ધારિત ધોરણોની સરખામણીએ કેન્દ્ર અને રાજ્યો બંને ઊંચા દેવાના સ્તર પર કાર્ય કરી રહ્યા છે.
CAGએ વધુમાં નોંધ્યું છે કે ઘણા રાજ્યો મૂડી નિર્માણ અને માળખાકીય વિકાસ કરતાં મહેસૂલ ખર્ચ પૂરો કરવા માટે વધુ પ્રમાણમાં ઉધાર લઈ રહ્યા છે. જાહેર દેવું પણ છેલ્લા દાયકામાં ત્રણ ગણાથી વધુ વધીને સંયુક્ત GSDPના 23 ટકા સુધી પહોંચી ગયું છે. પંદરમા નાણા પંચે નક્કી કરેલી મર્યાદા કરતાં 13 રાજ્યો આગળ નીકળી ગયા છે.
રાજ્યોની રોકડ જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવતી વેઝ એન્ડ મીન્સ એડવાન્સિસ (WMA)માં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2015-16માં રૂ.74,832 કરોડ રહેલી આ સહાય 2024-25માં વધીને રૂ.6.87 લાખ કરોડ સુધી પહોંચી છે. અહેવાલમાં રાજ્ય સરકારોને વધુ જવાબદાર દેવા વ્યવસ્થાપન, ખર્ચ પર નિયંત્રણ અને લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા માટે સાવચેતીભર્યા પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
દસ વર્ષમાં દેવામાં જંગી વધારો
2015-16 : રૂ.31 લાખ કરોડ
2024-25 : રૂ.90.51 લાખ કરોડ
વધારો : 190 ટકાથી વધુ
ખાધ મર્યાદા વટાવનારા રાજ્યઓ
કુલ 28માંથી 18 રાજ્યોએ
GSDPના 3 ટકાની મર્યાદા પાર કરી
કોરોના કાળ પછીનું સૌથી ચિંતાજનક સ્તર
સૌથી વધુ રાજકોષીય ખાધ ધરાવતા રાજ્ય
મેઘાલય – 8.69%
નાગાલેન્ડ – 6.14%
સિક્કિમ – 5.59%
14 મોટા રાજ્યોમાં ખાધમાં ઉછાળો
ગુજરાત
કર્ણાટક
કેરળ
મહારાષ્ટ્ર
ઓડિશા સહિત 14 રાજ્યો
એક વર્ષમાં 25 ટકાથી વધુ વધારો નોંધાયો.
15 રાજ્ય મહેસૂલ ખાધમાં
કુલ મહેસૂલ ખાધ : રૂ.3.46 લાખ કરોડ
આવક કરતાં ખર્ચ વધુ
ઉધાર પર વધતી નિર્ભરતા
જાહેર દેવું ક્યાં પહોંચ્યું?
સંયુક્ત GSDPના 23 ટકા સુધી
છેલ્લા દાયકામાં ત્રણ ગણાથી વધુ વધારો
13 રાજ્યોએ નાણા પંચની મર્યાદા વટાવી
WMA સહાયમાં ભારે વધારો
2015-16 : રૂ.74,832 કરોડ
2020-21 : રૂ.3.31 લાખ કરોડ
2024-25 : રૂ.6.87 લાખ કરોડ
નિષ્ણાતોની ચેતવણી
મહેસૂલ ખર્ચ માટે ઉધાર વધ્યું
મૂડીરોકાણનો હિસ્સો ઘટ્યો
નાણાકીય શિસ્ત અને દેવા વ્યવસ્થાપન જરૂરી
લાંબા ગાળાની આર્થિક સ્થિરતા માટે સુધારા અનિવાર્ય બન્યા છે.


