ગત મે મહિનામાં લીધેલા સેમ્પલમાં ૨૨ રિપોર્ટ ફેલ જાહેર થયા
મનપાના પાપે ૯ લાખ લોકોએ પીધુ દુષિત પાણી
તંત્રએ વિગત છુપાવી હોવાનો આક્ષેપ : એપ્રિલ બાદ જૂન મહિનાનો રિપોર્ટ જાહેર કર્યા પછી મે મહિનાનો રિપોર્ટ જાહેર કરાયો : કોર્પોરેશનની ગંભીર બેદરકારીથી શહેરીજનો પર પાણીજન્ય રોગચાળાનો ખતરો વધ્યો : લોકોમાં રોષ
અગ્ર ગુજરાત, રાજકોટ
મનપા દ્વારા શહેરમાં સપ્લાય થતાં પાણીનું લેબ ટેસ્ટિંગ કરી પાણી દૂષિત છે કે કેમ તે જોવામાં આવે છે. ગત મે મહિનામાં લીધેલા સેમ્પલના રિપોર્ટમાં 22 ફેલ જાહેર થતા અને શહેરના અંદાજે 9 લાખથી વધુ લોકોને ઝાડા-ઊલટી થઈ શકે તેવું દૂષિત અને બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણ થઈ ગયાનું ધ્યાનમાં આવતા મનપાએ પોતાની નાલેશી છુપાવવા મે માસનો લેબ ટેસ્ટિંગ રિપોર્ટ છુપાવી જૂન મહિનામાં જાહેર કર્યો હતો.
મનપા દ્વારા શહેરમાં સપ્લાય કરવામાં આવતા પાણીના સેમ્પલ લેવામાં આવે છે અને બેક્ટેરિયા સહિતની તપાસ માટે લેબોરેટરીમાં મોકલી તેનો રિપોર્ટ દર મહિને વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે અમુક સેમ્પલ ફેલ થયાનો રિપોર્ટ આવતા પાણી શુદ્ધિકરણમાં ખામી રહી ગયાનું સાબિત થઈ રહ્યું છે.
છતાં લાઇન લીકેજ સહિતના બહાના હેઠળ તંત્ર પોતાની બેદરકારી છુપાવી રહ્યું છે, પરંતુ વધુ સેમ્પલ ફેલ થયા હોય ત્યારે રિપોર્ટ તે મહિને જાહેર કરવાના બદલે પછીના મહિને જાહેર કરાતો હોવાનું જાણવા મળ્યું છે.
મનપાના વોટર વર્કસ વિભાગે વેબસાઇટ ઉપર પાણીના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ ગત વર્ષે જાહેર કર્યા છે. જેમાં એપ્રિલ મહિનામાં- 8 સેમ્પલ ફેલ બતાવ્યા છે. ત્યાર બાદ મે મહિનાનો રિપોર્ટ જાહેર કરવાના બદલે જૂન મહિનાનો રિપોર્ટ જાહેર કર્યો જેમાં-15 સેમ્પલ ફેલ બતાવ્યા છે.
અને બાદમાં મે મહિનાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો જેમાં સૌથી વધુ -22 સેમ્પલ ફેલ બતાવ્યા છે. ત્યારે સવાલ એ ઊઠે છે કે, એપ્રિલ બાદ મે મહિનાનો રિપોર્ટ જાહેર કેમ ન કરવામાં આવ્યો? કારણ કે ઉપરાઉપરી વધુ સેમ્પલ ફેલ ન બતાવવા પડે અને પોતાની આબરૂ છુપાવવા તેમજ લોકો પણ એક મહિના બાદ બધું ભૂલી ગયા હશે તેવું વિચારી -22 સેમ્પલ ફેલનો રિપોર્ટ એક મહિનો લેટ જાહેર કરવામાં આવ્યો હતો.
શહેરમાં દૂષિત પાણી પીવાથી મનપાના આરોગ્ય કેન્દ્રો ખાતે મહિને 1100થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ઉપરાંત સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સેંકડો કેસ નોંધાયા છે, છતાં તંત્ર દ્વારા આ મુદ્દે ઘટતું કરવાના બદલે ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે.
મેયરે ડ્રેનેજ ભળવા અને જૂની પાઇપલાઇનને ગણાવી જવાબદાર
રાજકોટ મહાનગરપાલિકા (RMC) ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થવાની ફરિયાદો સામે આવી રહી છે. આ ગંભીર મુદ્દા પર રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લે સ્વીકાર્યું છે કે શહેરના અમુક ભાગોમાં દૂષિત પાણી પહોંચી રહ્યું છે. તેમણે આ સમસ્યા પાછળ રહેલાં તકનીકી અને સ્થાનિક કારણો અંગે ખુલાસો કર્યો હતો. ચોમાસા દરમિયાન નદી-નાળામાં નવા પાણીનું આગમન થતાં પાણી ગંદુ થાય છે. આ ઉપરાંત, શહેરમાં જ્યાં વર્ષો જૂની પાઇપલાઇન છે ત્યાં ડ્રેનેજનું પાણી પીવાની લાઇનમાં ભળી જવાની સમસ્યા સર્જાય છે. જે વિસ્તારોમાં નવી પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યાં પણ દૂષિત પાણી આવવા અંગે મેયરે સ્પષ્ટ કર્યું કે, લોકો જ્યારે પોતાની રીતે જ પાણીના કનેક્શન લે છે ત્યારે મુખ્ય પાઇપલાઇનમાં તિરાડો પડે છે. આ તિરાડો વાટે ડ્રેનેજ વોટર પીવાના પાણીમાં લીક થઈ જાય છે. વિપક્ષી આક્ષેપો અંગે ચોખવટ કરતા મેયરે જણાવ્યું હતું કે, મે 2025 દરમિયાન તેઓ પદાધિકારી તરીકે કાર્યરત નહોતા. હાલ તંત્ર દ્વારા દૂષિત પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલાય તે માટે લીકેજ રિપેરિંગ અને લાઇન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


