ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો
પર્સ, મોબાઇલ સહિત ૧૦ હજાર રોકડની લૂંટ : બે સામે ગુનો દાખલ
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરના ઈસ્કોન કલબથી આગળ વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે 1 એપ્રિલની મોડીરાતે લૂંટની ઘટના સામે આવી છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતો મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.વ 25) ગતરાત્રે 11 વાગ્યાના અરસામાં તેની મંગેતર દિશા ડાભી સાથે બાઈક ઉપર આંટો મારવા માટે નીકળ્યો હતો. તે વેળાએ શહેરના વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે ઈસ્કોન કલબથી સાગવાડી જવાના માર્ગ પર વળાંકમાં બન્ને બાઈક પાર્ક કરીને વાતો કરી રહ્યાં હતાં. આ સમયે બાઇકમાં સવાર બે શખસે આવી યુવકને છરી બતાવી તમામ સામાન આપી દેવાનું કહ્યું હતું.
આ સમયે હાથાપાઈ થતાં તસ્કરોએ મનદિપસિંહને છરીના બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તેનું પાકીટ તેમજ દિશાબેનનું પર્સ અને મોબાઈલ મળી અંદાજિત 8થી 10 હજાર રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતાં. દરમિયાન ઈજાગ્રસ્ત મનદિપસિંહને ગંભીર હાલતમાં ભાવનગર સર. ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને નિલમબાગ પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીની પૂછપરછ બાદ હુમલાખોર શખસોને ઝડપી પાડવા કવાયત્ હાથ ધરી છે.


