GPSCનું વલણ અને વર્તણુંક અહંકારી : હાઇકોર્ટ
ત્રણ વખત આદેશ આપવા છતાં સંસ્થા દ્વારા ઉલ્લેખ : ચેરમેન અને સેક્રેટરીના વલણ સામે નારાજગી વ્યકત કરી : વારંવારના આદેશનો ઉલાળ્યો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
GPSCની પરીક્ષામાં એક માર્કે રહી જતાં વિદ્યાર્થિનીએ કાયદાકીય જંગ શરૂ કર્યો છે. આ પરીક્ષાના પ્રશ્નના જવાબના વિવાદના મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનવણીમાં કોર્ટે GPSCની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની અત્યંક આકરી ટકોર કરી હતી અને ત્રણ વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટ અગાઉ GPSCના પેપર સેટર્સ ઉપર સવાલો ઉઠાવી ચૂકી છે.
કોર્ટે GPSCના વકીલને કહ્યું હતું કે તમે અગાઉ જે નિવેદન કર્યું હતું એ મુજબનો ઠરાવ ક્યાં છે? તમારા સેક્રેટરી આ કોર્ટનું સીટીંગ પુરું થવાની રાહ જોઇ રહ્યા છે? તમારા ચેરમેન અને સેક્રેટરીને કોર્ટમાં બોલાવવાથી કોર્ટ ખચકાશે નહીં. તમારા ચેરમેન અને સેક્રેટરી પોતાની જાતને કોર્ટની ઉપર માને છે અને કોર્ટના વારંવાર કહેવા છતાં શા માટે સોગંદનામું કરતા નથી? શું તેઓ રોસ્ટર બદલાવવાની રાહ જોઈ રહ્યા છે? શા માટે તેમની વિરૂદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ના પાઠવવામાં આવે?
નોંધપાત્ર છે કે અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો આ મામલો છે અને એમાં હાઇકોર્ટે અગાઉ આદેશ કર્યો હોવા છતાંય GPSC યોગ્ય જવાબ આપી રહ્યું નથી. તેથી અગાઉ તો હાઇકોર્ટે GPSCના સોગંદનામાને આંખમાં ધૂળ નાંખવા સમાન પણ ગણાવ્યું હતું અને ઝાટકણી કાઢી હતી. તેમ છતાં 20મી માર્ચના આદેશમાં હાઇકોર્ટે GPSCને એક વધુ તક આપી હતી અને સ્પષ્ટ સોગંદનામું કરવાનું કહ્યું હતું.
હાઇકોર્ટે 16 અને 20 માર્ચના રોજ કરેલા આદેશ મુજબનું GPSCએ સોગંદનામું કર્યું નહોતું અને તેથી હાઈકોર્ટે ફરી એકવાર ભારે નારાજગી દર્શાવી હતી. કોર્ટે એક તબક્કે એવી ટકોર પણ કરી હતી કે GPSC અત્યંત વિશાળ સંસ્થા હોવાનો દાવો કરે છે. તે વર્ષે 200 એટલે કે દર બીજા દિવસે એક પરીક્ષા લે છે. તેમ છતાંય આ બધાની જવાબદારી લેવા તૈયાર નથી. તે ફક્ત પોતાને પરીક્ષાના વ્યવસ્થાપક તરીકે જણાવીને સત્તાઓ ભોગવી રહ્યું છે, પરંતુ જવાબદારી પેપર સેટરના માથે નાખી રહ્યું છે. કોર્ટે અગાઉના આદેશ કરીને તમને પુરતી તક આપી છે, પરંતુ તેમ છતાંય તેનું વલણ માત્ર અને માત્ર અહંકાર ભર્યું છે.
ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ને કૌટિલ્યના અર્થશાસ્ત્રના મૂળ લખાણ ખાસ કરીને 1915માં પ્રકાશિત થયેલા પ્રથમ અંગ્રેજી અનુવાદને રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. GPSCCની પરીક્ષામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબની સચોટતા બાબતે કોર્ટરૂમમાં થયેલી દલીલો બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.


