વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી
પાલીકાના ઈતિહાસમાં પ્રથમવાર “યાદી વગર જ ઉમેદવારી” નોંધાઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ
44 બેઠકો માટે 163 ઉમેદવારી પત્રો ભરાયા
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળ પાટણ (સોમનાથ) સંયુક્ત નગરપાલિકાની 2026 ની ચૂંટણીએ આ વખતે પરંપરાગત રાજકીય ગણિતને ઉંધું પાડી દીધું છે. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધી પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર ન કરી શકતા રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચાઓ વચ્ચે અનોખી ગૂંચવણ અને અફરાતફરીનો માહોલ સર્જાયેલ જોવા મળતો હતો. આવો દ્રશ્ય સ્થાનિક પાલીકાના ચુંટણીના રાજકારણમાં કદાચ પ્રથમ વખત જોવા મળ્યો છે. જ્યાં ભાજપ કોંગ્રેસ જેવી દિગગજ પાર્ટીઓ પોતાની જ પસંદગી પર અંતિમ ક્ષણ સુધી સંકોચાઈ ગઈ હોય ? તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.
વેરાવળ નગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો કલ્પના બહાર જેવો પ્રવાહ અંતિમ દિવસે જોવા મળ્યો હતો. કુલ 163 ઉમેદવારી પત્રો ભરાયા છે જે પૈકી 155 ફોર્મ તો આજે અંતિમ દિવસે રજુ થયા હતા. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે “ટિકિટ નહીં તો બળવો” જેવી સ્થિતિ અત્ર, તત્ર અને સર્વત્ર સર્જાઈ છે. અનેક ઉમેદવારો પાર્ટી ટિકિટની રાહ જોયા વિના મેદાને ઉતરી પડ્યા છે. જે સીધો સંકેત આપે છે ખાસ તો સત્તાધારી ભાજપ પક્ષમાં આંતરિક અસંતોષ અને બળવાખોરી ચરણસીમાએ પહોંચી હોવાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે.
ભાજપમાં ‘ટિકિટનું તોફાન’ — મંત્રી-સાંસદને કરવી પડી એન્ટ્રી?
પાલીકા માટે ભાજપમાં ઉમેદવાર પસંદગી મુદ્દે ભારે ધમાસાણ મચ્યું છે. અસંતોષ અને જૂથવાદ આટલી હદે ચરમસીમાએ પહોંચ્યો કે રાજ્યના મંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ રાજેશ ચુડાસમાને મોડીરાત્રીથી જ વેરાવળ ખાતે મોરચો સંભાળવો પડ્યો હતો. તો ગત મોડીરાત્રે નક્કી કરાયેલી પેનલોમાં પણ ફેરફાર કરવાની ફરજ પડતાં સ્પષ્ટ થઈ ગયું કે પાર્ટી અંદરથી જ કંપી રહી છે. પ્રજાપતિ, સિંધી અને ખારવા સમાજમાં ટિકિટ ફાળવણીને લઈને ઉઠેલા અસંતોષે આગમાં ઘી રેડ્યું છે. તો આજે સવારથી ભાજપ કાર્યાલય ખાતે પક્ષના સંનિષ્ઠ કાર્યકરો નારાજગી સાથે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા.
ભાજપ નું શક્તિ પ્રદર્શન ‘ફ્લોપ શો’ — શણગારેલી જીપ્સી રહી રસ્તા પર જ રહી?
ભાજપે ઉમેદવારી પત્ર ભરવા માટે ભવ્ય શક્તિ પ્રદર્શનની તૈયારી કરી હતી. શણગારેલી જીપ્સી, બેનરો અને કાર્યકરોની ભીડ બધું તૈયાર હતુ પરંતુ આંતરિક ઘર્ષણના કારણે આખો કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. ઉમેદવારો “એકતાના શો” બદલે અલગ-અલગ રીતે ઉમેદવારી નોંધાવવા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. આ ઘટનાએ ભાજપની આંતરિક એકતાને જાહેરમાં ઉઘાડી પાડી દીધી હતી.


