ગ્રીનલેન્ડના STના પીક અપ સ્ટેન્ડમાં પંખા અને પાણીની અસુવિધાથી મુસાફરોને હાલાકી
ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાં પંખો છે મુસાફરોના હતા તે પંખા કાઢી નખાયા
વિભાગીય નિયામક એસ.ટી રાજકોટને મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆતો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રતાપભાઈ વાળા, પ્રવીણભાઈ જોશીની સંયુક્ત યાદી જણાવે વે છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા ટૂંકાગાળામાં 38% જેવો તોતીંગ ભાડા વધારો કરી મુસાફરોની કમર તોડી નાખી છે. રાજ્ય સરકારે એસ.ટી તંત્રને ભાડા વધારવાની મંજૂરી એ શરતે આપી છે કે મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર સાથે સારી સુવિધા મળે તે હેતુને ધ્યાનમાં રાખીને ભાડા વધારવાની મંજૂરી આપી છે. પરંતુ રાજકોટના સિનિયર ડેપો મેનેજર અને બાંધકામ ઇજનેર અધિકારીઓની ઘોર બેદરકારી અને લાપરવાહીના પગલે મુસાફરને સુવિધાને બદલે દુવિધા મળતી રહે છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ અમદાવાદ હાઇવે પરના ગ્રીનલેન્ડ ચોકડી પીક અપ સ્ટેન્ડ પર તા 15/4 ના રોજ મુલાકાત દરમિયાન જોવા મળ્યું કે અહીં અંદાજે 10,000 મુસાફરોની અવરજવર રહે છે અને આશરે 500 બસો ની આવજા રહે છે. ત્યારે મુસાફરોને વિસામો માટે બનાવાયેલ આ પીક અપ સ્ટેન્ડ પર મુસાફરો માટે એક પણ પંખો ઉપલબ્ધ નથી જો કે ગ્રીન લેન્ડ ચોકડીના પીક અપ સ્ટેન્ડના ટ્રાફિક કંટ્રોલરની ઓફિસમાં પંખો ઉપલબ્ધ છે. અને પીવાના પાણીની કોઈ જાતની સુવિધા ઉપલબ્ધ નથી. સિનિયર સિટીઝન મહિલાઓ, બાળકો કાળઝાળ ગરમી ના પગલે પરસેવે રેબજેબ થાય છે જેની લેસ માત્ર પરવા રાજકોટ એસ.ટીના જવાબદાર અધિકારીઓને નથી. સમગ્ર ગુજરાતમાં હાલ રાજકોટ 42 ડિગ્રી તાપ સાથે પ્રથમ નંબરે છે ત્યારે નથી પંખો કે નથી પાણી પ્રાથમિક સુવિધા, ટ્રાફિક કંટ્રોલર પાસે ફરિયાદ બુક પણ ઉપલબ્ધ નહોતી. મુસાફરોને પડતી હાલાકી અંગે ધૃતરાષ્ટ્ર નીતિ દાખવનાર જવાબદાર અધિકારીઓને દંડનીય કાર્યવાહી થવી જોઈએ.
વધુમાં રાજકોટના એસ.ટી.બસ પોર્ટમાં વોલ્વો ડેપો નો વોલ્વો વેઇટિંગ રૂમ અને વોલ્વો એડવાન્સ બુકિંગ રૂમ બંધ કરવાનો સમય રાત્રે 10 સુધીનો લખવામાં આવેલ છે. છતાં ગઈકાલે વોલ્વો વેઇટિંગ રૂમ રાત્રે 9:30 પહેલા બંધ થયેલ હતો જે અંગે ફરિયાદ મળતા રાજકોટના વિભાગીય નિયામકને ફોટા સાથે રજૂઆત કરવામાં આવી છે અને ગઈકાલના સીસી ફૂટેજ જોઈ વહેલો બંધ કરનાર જવાબદારો સામે પણ પગલાં ભરવા જોઈએ. ગ્રીનલેન્ડ ચોકડી પીક અપ પોઇન્ટ પર વિભાગીય નિયામક શ્રી તાત્કાલિક જરૂરિયાત મુજબના પંખાઓ ફીટ કરે અને પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરે તેવી ઉપરોક્ત આગેવાનોએ માંગ ઉઠાવી છે.


