બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ ગામમાં ચાંદીપુરાથી બે બાળકોના મોત
આરોગ્ય વિભાગ સહિત મેડીકલ ટીમો એલર્ટ મોડમાં: પરિવારમાં ચિંતા-શોકનો માહોલ
અગ્ર ગુજરાત, પાલનપુર
બનાસકાંઠાના અમીરગઢ અને કાંકરેજ વિસ્તારમાં ચાંદીપુરા વાયરસને કારણે બે બાળકોના મોત થયાના કિસ્સા સામે આવ્યા છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં ચિંતાનો માહોલ છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોગ્ય અધિકારીઓ સહિત મેડિકલ ટીમો એલર્ટ મોડમાં આવી ગઈ છે. વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન કામગીરી ચાલી રહી છે.
કાનપુરા ગામ સહિત અમીરગઢ અને કાંકરેજમાં આરોગ્ય ટીમો દ્વારા ઘર-ઘર સર્વે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય દ્વારા ફેલાય છે, જેથી સેન્ડફ્લાયનો નાશ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
જ્યાં જ્યાં કાચા ઘરોમાં દીવાલોમાં તિરાડો છે અને જ્યાં સેન્ડફ્લાય રહી શકે તેવી શક્યતા છે, ત્યાં ડસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. કાનપુરામાં નોંધાયેલા છેલ્લા મોત બાદ અમીરગઢમાં 47 ટીમો બનાવીને સમગ્ર વિસ્તારનું સર્વેલન્સ અને સ્પ્રેઇંગ-ડસ્ટીંગની કામગીરી જોરશોરથી ચાલી રહી છે.


