ભાવનગરમાં ડેપ્યુટી ફાયર ઓફિસર અને વચેટીયો બે લાખની લાંચ લેતા ઝડપાયા
સરકારી શાળામાં લગાવેલા સાધનોના NOC દેવા માટે પાંચ લાખની રકમ માંગી હતી : આણંદ ACBની સફળ ટ્રેપ
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરતા આણંદ ACB ટીમે ભાવનગર ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર અને તેના વચેટિયાને 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ લાંચ સરકારી શાળામાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનોના NOC મેળવવાના બદલામાં માંગવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાની અલગ-અલગ 79 જેટલી સરકારી શાળાઓની બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા એક અરજદારે આ અંગેનું કામ પૂર્ણ કર્યું હતું. કામ પૂરું થયા બાદ આ કોન્ટ્રાક્ટરે ફાયર બ્રિગેડ વિભાગમાં સેફ્ટી પ્લાન અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના એપ્રુવલ માટે ઓનલાઇન અરજી કરી હતી.
આ અરજી મંજૂર કરવાના બદલામાં ફાયરબ્રિગેડના ડેપ્યુટી રીઝનલ ઓફિસર (ક્લાસ-2) મહેશ અમૃતલાલ પટેલે કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 5 લાખની માતબર રકમની લાંચ માંગી હતી. અરજદાર આ ભ્રષ્ટ અધિકારીને લાંચ આપવા માંગતા ન હતા.
લાંચ પેટે પ્રથમ રૂપિયા 50 હજાર ઓફિસર મહેશ પટેલના મળતિયા અને વચેટિયા પ્રકાશ ગિરીશ ચૌહાણ મારફતે લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અરજદારે ડેપ્યુટી ઓફિસર મહેશ પટેલને જાણ કરી હતી કે બાકીના 4.50 લાખમાંથી હાલ 2 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે, અને આ રકમ ક્યાં આપવી તે માટે સ્થળ પૂછ્યું હતું.
આ દરમિયાન કોન્ટ્રાક્ટરે આણંદ ACB ટીમનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. એસીબીની ટીમે ભાવનગરની સર ટી હોસ્પિટલના ગેટ નંબર 2 પાસે છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ જ્યારે વચેટિયો પ્રકાશ ચૌહાણ રૂપિયા 2 લાખની લાંચ લેવા પહોંચ્યો, ત્યારે આણંદ ACB ટીમે તેને રંગેહાથ પકડી લીધો હતો.
આ સફળ ટ્રેપ બાદ ડેપ્યુટી ફાયર ઓફિસર મહેશ પટેલને પણ તેની ઓફિસમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આણંદ ACB ટીમની આ સફળ અને કડક કાર્યવાહીને પગલે જિલ્લાના અન્ય લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.


