ચૂંટણીઓમાં સો ટકા મતદાન કરવા ‘યુથ ફોર ડેમોક્રેસી’ની અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ‘યુથ ફોર ડેમોક્રેસી’ સંસ્થાના પ્રમુખ અને જાણીતા એડવોકેટ હિંમતભાઈ લાબડીયા દ્વારા તમામ મતદારોને ઉત્સાહપૂર્વક અને જાગૃત બનીને વધુમાં વધુ મતદાન કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
લોકશાહીમાં ‘મત’ એ નાગરિકનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. જ્યારે આપણે “સ્થાનિક સરકાર”ની પસંદગી કરવાની હોય ત્યારે આપણી એક મિનિટ અને એક મત આપણાં શહેર કે ગામના આગામી પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરે છે.
યુવા મતદારો, જેઓ દેશનું ભવિષ્ય છે, તેઓ માત્ર પોતે મતદાન કરે એટલું જ નહીં પરંતુ પોતાના પરિવાર અને આસપાસના લોકોને પણ મતદાન મથક સુધી લઈ જાય તે જરૂરી છે. અગાઉની ચૂંટણીઓના અનુભવ પરથી જણાય છે કે શહેરી વિસ્તારોમાં મતદાનની ટકાવારી ઓછી રહેતી હોય છે. લોકશાહીને મજબૂત કરવા માટે સો ટકા મતદાન અત્યંત અનિવાર્ય છે. મતાધિકારનો ઉપયોગ કોઈપણ લોભ, લાલચ કે દબાણ વગર, માત્ર વિકાસ અને યોગ્ય ઉમેદવારના આધારે કરવો જોઈએ. ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, ત્યારે નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે કે આપણે મતદાન કરી લોકશાહીના આ મહોત્સવને સફળ બનાવીએ.
એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ વિશેષમાં જણાવેલ છે કે જો આપણે મતદાન નહીં કરીએ, તો આપણને વ્યવસ્થા સામે ફરિયાદ કરવાનો કોઈ નૈતિક અધિકાર રહેશે નહીં. માટે, ‘પહેલાં મતદાન, પછી જ જલપાન’ ના મંત્રને સાર્થક કરીએ.
આ યાદી દ્વારા તમામ સામાજિક સંસ્થાઓ, મંડળો અને પ્રબુદ્ધ નાગરિકોને પણ મતદાર જાગૃતિ અભિયાનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.


