રાજકોટ એપ્રિલમાં સતત ધગધગતુ રહ્યુ, આજે ચાર શહેરમાં ૪3 ડિગ્રી
હવામાન વિભાગ દ્વારા પાંચ જિલ્લામાં હિટવેવની ચેતવણી : હજુ એક સપ્તાહ તાપ સહન કરવો પડશે લોકોને નિષ્ણાંતોની આગાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં ઉનાળાનો આકરો મિજાજ યથાવત છે. એપ્રિલ મહિનાના છેલ્લા દિવસોમાં પણ અંગ દઝાડતી ગરમીને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના 5 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે, જેના પગલે તંત્ર દ્વારા ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે 29 એપ્રિલના રોજ રાજકોટમાં 43°C, અમદાવાદમાં 43°C, અમરેલીમાં 43°C, ગાંધીનગરમાં 42°C, વડોદરામાં 43°C, સુરતમાં 35°C, ભાવનગરમાં 39°C, ભુજમાં 39°C, દાહોદમાં 39°C, દમણમાં 37°C, ડીસામાં 41°C, દ્વારકામાં 33°C, નલિયામાં 39°C અને પોરબંદરમાં 35°C મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 43થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને રાજકોટમાં આજે ગરમીનું પ્રમાણ સૌથી વધુ રહેવાનું અનુમાન છે, જ્યાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ ગરમીનું મોજું યથાવત રહેતા નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.
અમદાવાદમાં ગતરોજથી 4 મે સુધી 6 દિવસ ઓરેન્જ એલર્ટ અને એક દિવસ યલો એલર્ટ જારી કરાયું છે. આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન છે. અમદાવાદીઓ QR કોડના આધારે હોટસ્પોટની સાથે-સાથે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં નોંધાનાર તાપમાનની માહિતી મળવીશે.
શહેર-જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરની તમામ શાળાઓને બાળકોની સલામતી માટે પોતાની વિવેકબુદ્ધિથી સમયમાં ફેરફાર કરવા કહ્યું છે. તેઓએ જણાવ્યું કે, દરેક વખતે પરિપત્ર કરવો એ જરૂરી નથી, શાળાઓ પોતે નિર્ણય લઈ શકે છે. બપોરના 12 વાગ્યા પહેલાં તમામ બાળકોને છોડી દેવાઈ તેવી વ્યવસ્થા કરવી. આ સાથે જ વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં બેસાડવાનું ટાળવા અને બહારની કોઈપણ પ્રકારની એક્ટિવિટીઝ ન કરાવવી. વધુમા તેમણે ગરમીના આ પ્રચંડ માહોલમાં બાળકોને ઠંડકવાળા અને સુરક્ષિત વાતાવરણમાં જ રાખવા માટે ભાર મુકાયો છે.
ગરમીના સર્વકાલીન રેકોર્ડની વાત કરીએ, તો ગુજરાતમાં સૌથી વધુ ગરમીનો રેકોર્ડ મે, 2016માં નોંધાયો હતો, જ્યારે અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C તાપમાન નોંધાયું હતું. અત્યારે (2026) એપ્રિલ મહિનો પૂરો થવા આવ્યો છે અને મે મહિનો બાકી હોવાથી શક્યતા છે કે, આગામી દિવસોમાં આ 45.2°Cનો રેકોર્ડ પણ તૂટી શકે છે, કારણ કે મે મહિનો ગુજરાતમાં સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં હીટવેવનો ખતરો છે અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
જો તમને અતિશય ગરમીને કારણે માથાનો દુઃખાવો, ચક્કર આવવા, ઉબકા-ઉલટી, સ્નાયુઓમાં દુઃખાવો કે અશક્તિ જેવી સમસ્યા જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી. ગંભીર સ્થિતિમાં વિલંબ કર્યા વગર 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવો.


