લોધીકાના વીરવા ગામે યુવાનનો અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત
બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છતાં બચી ન શક્યો, કારણ અંગે તપાસ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વીરવા ગામે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે, જેમાં મૂળ ઉત્તર પ્રદેશના એક યુવાને ગળાફાંસો ખાઈ જીવનનો અંત લાવ્યો છે. આ બનાવથી તેના સાથી કર્મચારીઓ તેમજ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, વીરવા ગામે ગોલ્ડન-૨ ગેટ નજીક આવેલી ડી.એન. એન્જિનિયરિંગ કંપની પાસેના ક્વાર્ટરમાં રહેતા 28 વર્ષીય શાહબુદ્દીન નિશારઅહેમદ ઇદ્રીશએ સાંજના સમયે પોતાના રૂમમાં એકલા હોઈ ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણે રૂમના એંગલમાં દુપટ્ટો બાંધી આ કૃત્ય કર્યું હતું. આ દરમિયાન કોઈ સહકર્મચારી રૂમ તરફ આવતાં ઘટના સામે આવી હતી. તરત જ શાહબુદ્દીનને નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબીબોના પ્રયાસો છતાં તેનું જીવ બચાવી શકાયો નહોતો અને ટૂંકી સારવાર દરમિયાન જ તેનું અવસાન થયું હતું. આ બનાવની જાણ થતાં હોસ્પિટલ ચોકી દ્વારા લોધીકા પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. મૃતક શાહબુદ્દીન મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને છેલ્લા લગભગ ત્રણ વર્ષથી રાજકોટ નજીક રહીને નોકરી કરતો હતો. પરિવારની જવાબદારી નિભાવતો શાહબુદ્દીન ત્રણ ભાઈ અને ચાર બહેનમાં મોટો હતો. તેના પાછળ પત્ની અને એક દિકરો છે, જે હાલ વતનમાં રહે છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.


