ચૂંટણી પૂરી થતાં આરોગ્ય વિભાગ એકશનમાં
દુષિત પાણીની ફરિયાદો વધતા મનપા દ્વારા રોગચાળો અટકાવવા ૧૦૫૮ કલોરીન ટેસ્ટ કરાયા
તાવ-શરદી, ઝાડા, ઉલ્ટી સહિતના ૧૮૮૮ દર્દી મનપાના ચોપડે નોંધાયા : ટાઇફોઇડ, કમળો, ડેંગ્યુ અને ચીકનગુનિયાના કેસનો ઉપાડો
અગ્ર ગુજરાત, રાજકોટ
ચૂંટણી પૂરી થતાં રાજકોટ મનપાની આરોગ્ય શાખા કામગીરીમાં જોતરાઇ છે. શહેરમાં દુષિત પાણીની સતત ફરિયાદો મળતા ૧૦૫૮ જેટલા કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. છેલ્લા અઠવાડીયામાં શરદી, ઉધરસ, સામાન્ય તાવ અને ઝાડા-ઉલ્ટી સહિતના ૧૮૮૮ દર્દીઓ મનપાના ચોપડે નોંધાયા છે. જયારે ચિકન ગુનિયા, કમળો, ટાઇફોઇડ અને ડેંગ્યુની બિમારીએ પણ દેખાડો દીધો છે.
રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૭/૦૪/૨૦૨૬ થી તા.૦૩/૦૫/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૪૪૧૧૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૨૦૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૮૨૩ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૮૦ અને કોર્મશીયલ ૩૪ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે. પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ 1058 કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે.


