સુરતના સ્વામિનારાયણ મંદિર ખાતે ‘હિંડોળા ઉત્સવ’નો પ્રારંભ
આકર્ષક હિંડોળામાં ભગવાન ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન કરતા હરિભક્તો
અગ્ર ગુજરાત, રાજકોટ
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની દિવ્ય પ્રેરણા અને આશીર્વાદથી સ્વામિનારાયણ મંદિર, સરથાણા-સુરત ખાતે એક માસ વ્યાપી ભવ્ય ‘હિંડોળા ઉત્સવ’નું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. તા.૩૧ જુલાઈ, ૨૦૨૬થી પ્રારંભ થયેલો આ પવિત્ર ઉત્સવ તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગના માહોલમાં ઉજવાશે.
ઉત્સવ દરમિયાન ભાવિક ભક્તો દ્વારા વિવિધ આકર્ષક થીમ પર આધારિત કલાત્મક અને મનોહર હિંડોળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પુષ્પો, પ્રાકૃતિક સામગ્રી તથા વૈવિધ્યસભર શણગારથી અલંકૃત હિંડોળાઓમાં બિરાજમાન ભગવાન ઘનશ્યામ મહારાજનાં દિવ્ય દર્શન કરીને હરિભક્તો ભક્તિરસનો અનોખો અનુભવ કરી રહ્યા છે.
આ નિમિત્તે મંદિરમાં દૈનિક કીર્તન-ભક્તિ, મંગળ આરતી, સત્સંગ સભાઓ, ધૂન-ભજન તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું છે. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો અને હરિભક્તો દરરોજ પધારીને હિંડોળા ઉત્સવનાં દિવ્ય દર્શનનો લાભ લઈ રહ્યા છે. સ્વામિનારાયણ મંદિર, સરથાણા-સુરત તરફથી સુરત શહેર તથા આસપાસના તમામ ધર્મપ્રેમી ભક્તજનોને આ ભવ્ય હિંડોળા ઉત્સવમાં પરિવારજનો સાથે પધારી ભગવાન ઘનશ્યામ મહારાજનાં દિવ્ય દર્શનનો લાભ લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.


