સરસ્વતી શિશુમંદિરનું ધો.12માં 100% પરિણામ : છ છાત્રોએ મેળવ્યો A-1 ગ્રેડ
અમારી પરંપરા અને પ્રયત્નનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના પરિણામો જોઈ શકાય છે : અપૂર્વભાઈ મણીઆર
સોલંકી દ્રષ્ટિએ 99.94 પીઆર સાથે બોર્ડમાં છઠ્ઠા અને પરમાર શ્રેયા 99.91 પીઆર સાથે નવમા ક્રમે
અગ્ર ગુજરાત, રાજકોટ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓએ ધો. 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં ભવ્ય સફળતા મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. શહેરના મારુતિનગર અને રણછોડનગર સ્થિત સંકુલએ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડ પરીક્ષા 100% પરિણામ મેળવી શિક્ષણ ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સરસ્વતી શિશુમંદિરની 24 વિદ્યાર્થિનીઓએ ડિસ્ટિંગ્શન, 7 વિદ્યાર્થીનીઓએ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. આ ઉપરાંત એ1 ગ્રેડમાં 6 અને એ2 ગ્રેડમાં 12 વિદ્યાર્થીનિઓએ સ્થાન મેળવ્યું છે. શાળાની વિધાર્થીનિ સોલંકી દ્રષ્ટિએ એકાઉન્ટ, સ્ટેટ અને બી.એ. જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી ૯૫.૮૬% – ૯૯.૯૪ પીઆર સાથે બોર્ડમાં છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. એ જ રીતે બોર્ડ પરિણામોમાં પરમાર શ્રેયા ૯૫.૨૯% – ૯૯.૯૧ પીઆર સાથે બોર્ડમાં નવમો ક્રમ મેળવો છે. કિયાડા ધાર્મી ૯૪.૪૩% – ૯૯.૮૧ પીઆર સાથે શાળામાં તૃતીય ક્રમે આવ્યા છે. નોંધનીય છે કે સરસ્વતી શિશુમંદિરના અનેક વિદ્યાર્થીનિઓએ એકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ, બી.એ., એસ.પી. અને ઇકોનોમિક્સ જેવા વિષયોમાં 100માંથી 100 પૂર્ણ ગુણ મેળવી પોતાની પ્રતિભા દર્શાવી છે.
સરસ્વતી શિશુમંદિરની ઝળહળતી સફળતા વિશે સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું છે કે, વર્ષોથી બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ મેળવવાની શાળાની પરંપરા રહી છે. સાથે વિદ્યાર્થીઓ પણ 99% પીઆર સુધી લઈ આવે એવો અમારો પ્રયત્ન હોય છે. અમારી પરંપરા અને પ્રયત્નનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે શાળાના પરિણામોમાં જોઈ શકાય છે. એકદમ વાજબી ફીમાં અને સૌને પરવળે એવા શૈક્ષણિક માળખા સાથે નબળા વિદ્યાર્થીઓને સબળા બનાવવા તેમજ તેમને સંસ્કારયુક્ત શિક્ષણ આપી ભાવિ પેઢીનું નિર્માણ કરવું એ અમારો ધ્યેય રહ્યો છે એવું જણાવી ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, શાળાના ટ્રસ્ટી ડૉ. બળવંતભાઈ જાની, અનિલભાઈ કિંગર, ખંતિલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, રક્ષિતભાઈ પટેલ, પલ્લવીબેન દોશી અને પ્રધાનાચાર્યોએ બોર્ડ પરીક્ષા પરિણામોમાં ઝળહળતી સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપનાર આચાર્યગણને અભિનંદન પાઠવ્યા છે. સંતાનોની આ સફળતાથી સરસ્વતી શિશુમંદિરના વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


