સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
સાધનામાં યથા યોગ્ય વિનિયોગ થાય તો જલ્દી સફળતા મળે છે
મારો ગુરૂદત્ત-સાધુ પ્રયત્ન છે કે હું તમારા મન સુધી પહોંચું
મોટા હોય એના વજન નથી હોતા, નાના હોય એના જ વજન હોય છે!
શુક્રતાલની દિવ્ય- સેવ્ય ભૂમિ પર, સ્વાન્ત: સુખાય આયોજીત રામકથા ‘માનસ સુકતીર્થ’ના સાતમા દિવસે ગઇકાલે કથાના પ્રેમસંવાદમાં પ્રવેશ કરતા પ્રિય બાપુએ કહ્યું હતું કે એક-બે પ્રશ્નો પૂછાયા છે કે બાપુ, તુલસી પોતાને પક્ષી માને છે? અને શંકર હંસરૂપી પક્ષી છે તો પાર્વતી પક્ષી છે! જવાબ: તુલસીદાસજી પક્ષી છે, રામચરિત માનસ પક્ષીતીર્થ છે. તુલસીજી પણ પોતાને પક્ષી માને છે, પ્રમાણ:
એક ભરોસ, એક બન, એક આસ વિશ્વાસ
એક રામ ઘનશ્યામ હી ચાતક તુલસીદાસ
અને પાર્વતી પણ પક્ષી છે, પ્રમાણ :
જય જય ગિરિવર રાજકિશોરી
જય મહેસ મુખ ચંદ ચકોરી
સુકદેવજી અને પરિક્ષિત સંદર્ભના બે મંત્ર-શ્લોક છે. જે ઉપનિષદમાં છે, જેમાં સુકદેવ અને પરિક્ષિતની સ્થિતિનો પરિચય મળે છે. એ શ્લોક હું બે દિવસથી લઇ આવું છું પણ કથા પ્રવાહ મને લઇ જાય એ રીતે હું પ્રવાહિત થાઉ છું. તો આ શ્લોક મંત્ર સૌ સાથે બોલીએ….
ન તસ્ય રોગો ન જરા ન મૃત્યુ:
પ્રાપ્તસ્ય યોગાગ્નિ શરિરમ
યોગ, વિયોગ, જ્ઞાન, પ્રેમ એ અગ્નિ છે. મૂળમાં તો બધે જ અગ્નિતત્વ જ છે. આ પરિક્ષિતનું દર્શન છે. પરિક્ષિતમાં તીવ્રતા છે. તીવ્રતારૂપી અગ્નિ પરિક્ષિત છે. જીવનમાં યથાયોગ્ય વિનિયોગ-વિનિમય થાય તો જ સફળતા મળે છે. સાધનામાં પણ એ જરૂરી છે. એક વાર્તા છે.
એક ભાઇએ નિર્ણય કર્યો કે હું ગામથી દૂર, નદી કિનારે ઝૂંપડી બનાવી એક વર્ષ માટે સાધના કરીશ. પરિવારમાં વાત કરી, ગામ લોકોને કહ્યું કે એક વર્ષ સાધના કરવી છે અને એ દરમ્યાન મારી પાસે કોઇએ ન આવવું. પરિવારને પણ કહ્યું કે કોઇએ મને મળવા ન આવવું. નદી કિનારે, ઝૂંપડીમાં સાધના કરે છે, પણ છ મહિના થયા એટલે ખૂબ દુર્ગંધ આવવા લાગી, ગામમાં પણ દુર્ગંધ ફેલાવા લાગી. ગામ લોકો તો વિચારવા લાગ્યા કે આ દુર્ગંધ શેની છે? તો નદી કિનારે ઝૂંપડીમાંથી આ દુર્ગંધ આવતી હતી એટલે ગામ લોકો અને પરિવાર બધા ત્યાં ગયા અને ઝૂંપડીનો દરવાજો ખોલીને જોયું તો પેલા ભાઇનું મૃત્યુ થઇ ગયું હતું અને એના શબની દુર્ગંધ હતી. એક ભાઇ બોલ્યો કે ભૂખને કારણે આ ભાઇ મરી ગયા, કોઇ કહે ઝેરી સાપ કરડયો હશે. કોઇએ કહ્યું કે આત્મહત્યા કરી હશે આમ સૌ વાતો કરવા લાગ્યા. પરિવારના સભ્યોને પૂછયું તો એમણે કહ્યું કે અમે એક વર્ષ ચાલે એટલું અનાજ-કરિયાણું બીજી બધી ચીજ વસ્તુઓ તો આપી હતી પણ એને રસોઇ બનાવતા ન્હોતી આવડતી!!! જીવનમાં કે સાધનામાં યથાયોગ્ય વિનિયોગ ન થાય તો મૃત્યુ પણ આવી શકે!
ઓશો એક સરસ દ્રષ્ટાંત આપતાં કે એક વખત અંધારાએ ભગવાનને ફરિયાદ કરતાં કહ્યું કે ભગવાન આ સુરજ જુઓને, મને હેરાન પરેશાન કરે છે, હું ગરીબ છું. મારી મહેનત પર એ પાણી ફેરવે છે. તમે એને સમજાવોને? એટલે ભગવાને કીધું કે એક કમિશન રહ્યું છું, નારદને એના અધ્યક્ષ બનાવું છું. એટલે નારદના અધ્યક્ષપણે કમિટી બની અને કમિટીએ સૂરજ સાથે ચર્ચા કરી કે ભાઇ, અંધારાની આ ફરિયાદ છે. ત્યારે સુરજ બોલ્યો કે મેં તો અંધારાને જોયું જ નથી. મને તો ખબર જ નથી. એક કામ કરો અંધારાને મારી પાસે મોકલો, હું એની માફી માંગી લઇશ. હજી આજ સુધી અંધારૂ સુરજને મળ્યું નથી! આ કેસ હજી ત્યાંને ત્યાં જ છે!!!
પ્રેમસંવાદ દરમ્યાન બાપુએ સુકદેવજી સંદર્ભનો ઉપનિષધદીય શ્લોક પણ વિસ્તારથી વર્ણવ્યો હતો અને એમાં રહેલું સુકદેવજીનું દર્શન સમજાવ્યું હતું.
કથારત્નો
(૧) જીસને ‘ગલ’ કો પા લિયા વો ‘પાગલ’-ગુરૂદેવ નાનક
(૨) કયા રોગ લગા બૈઠે હૈ! હમ દિલ કો ભૂલા બૈઠે હૈ!
(3) વલ્લભ ગુણ ગાવાને ગાવા, અવસર ફિર નહીં આવે આવા, દયાના સ્વામીના ગુણ ગાવા અંતે હરિચરણે જાવા….
(૪) સાધુ એટલે : પાડોશીનું બાળક આપણા ઘરમાં રમવા આવ્યું હોય એવું લાગે એ સાધુ
(૫) સુક્ષ્મદ્રષ્ટિ ત્યારે જ સફળ થાય જો દ્રષ્ટિ ચંદ્ર પર હોય
…હજુ એક કથા ગાન અહીં કરવું છે
પ્રિયબાપુએ કથા દરમ્યાન કહ્યું કે આ તીર્થમાં આ છઠ્ઠી કથા છે. આ પહેલા અહીં પાંચ કથા ગાઇ છે. સુકદેવજીએ અહીં સાત દિવસ કથા કહી તો મારે સાત કથા ગાવી છે. હરિ ઇચ્છા. જોઇએ કયારે ગવાશે! પણ આ સુકતીર્થમાં હજી એક કથા ગાન કરવા આવીશ.


