મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા બાકોર ખાતે ૧૭૮ વિદ્યાર્થિઓ માટે સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) સમર કેમ્પનું સફળ આયોજન કરાયું
યુનિસેફ (UNICEF), એલિક્સિર ફાઉન્ડેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના સંયુક્ત સહયોગથી કેડેટ્સને મહિલા જાગૃતિ, પોક્સો એક્ટ, પર્યાવરણ સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનનું વિશેષ માર્ગદર્શન અપાયું
આસીફ લુણાવાડા
અગ્રગુજરાત, મહીસાગર
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા રાજ્ય સરકારની “સુરક્ષા સેતુ સોસાયટી” યોજના અંતર્ગત બાકોર ખાતે આવેલી મોડેલ સ્કૂલ ખાતે તારીખ ૧૬/૦૫/૨૦૨૬ થી ૨૨/૦૫/૨૦૨૬ દરમિયાન સાત દિવસીય સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) જિલ્લા કક્ષાના સમર કેમ્પ-૨૦૨૬ નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના કુશળ માર્ગદર્શન હેઠળ તેમજ સુરક્ષા સેતુ સોસાયટીના નોડલ ઓફિસર અને નાયબ પોલીસ અધિક્ષક (DYSP) જે.જી. ચાવડાની સીધી નિગરાનીમાં આયોજિત આ વિશેષ સમર કેમ્પમાં જિલ્લાની કુલ ૧૭૮ વિદ્યાર્થિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ પોલીસ અને જનતા વચ્ચે એક મજબૂત સેતુ બનાવવાનો અને પરસ્પર સહકારની ભાવના વિકસાવવાનો છે તેમજ વિદ્યાર્થિઓમાં નાનપણથી જ કાયદાનું જ્ઞાન, રાષ્ટ્રભાવના, શિસ્ત, આત્મવિશ્વાસ અને ટીમ વર્ક જેવા ઉમદા ગુણોનું સિંચન કરી ભવિષ્યના જવાબદાર નાગરિક બનાવવાનો છે.
આ સાત દિવસીય તાલીમ કેમ્પ દરમિયાન વૈશ્વિક સંસ્થા *યુનિસેફ (UNICEF)* ની વિશેષ ટીમ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સને મહિલા જાગૃતિ, પોક્સો (POCSO) એક્ટ, બિલ્ડિંગ કોન્ફિડન્સ (આત્મવિશ્વાસ નિર્માણ) અને યુથ એન્ગેજમેન્ટ (યુવા ભાગીદારી) જેવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત અને કાયદાકીય સમજ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ થકી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદા પ્રત્યે તેમની સમજ શક્તિ વધારવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પર્યાવરણ સુરક્ષા અને આબોહવા પરિવર્તન સંદર્ભે જાગૃતિ લાવવા માટે જાણીતી સામાજિક સંસ્થા **એલિક્સિર ફાઉન્ડેશન, NGO ની ટીમ દ્વારા ક્લાઈમેટ ચેન્જ(આબેહવા પરિવર્તન સામે પગલાં) અંતર્ગત વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેડેટ્સ દ્વારા ઇકો-ફ્રેન્ડલી ‘સીડ બોલ્સ’ (બીજ ગોળા) બનાવવામાં આવ્યા હતા તેમજ આબોહવા પરિવર્તન અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલતા કેળવવા માટે ‘બર્ડ હાઉસ પેઇન્ટિંગ’ અને પક્ષીઓ માટે ‘વોટર ફીડર’ (ચણ-પાણીના કુંડા) બનાવવાની સર્જનાત્મક એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવી હતી.
કેડેટ્સના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસના ભાગરૂપે તમામ ૧૭૮ વિદ્યાર્થિનીઓને બકોર તાલુકામાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા *કલેશ્વરી ટેમ્પલ* (કલેશ્વરી સ્મારક સમૂહ) ખાતે શૈક્ષણિક પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓને પાંડવોના વનવાસ કાળના ઇતિહાસથી માહિતગાર કરી, ત્યાં આવેલી પ્રાચીન કલાત્મક વાવ અને કુવાઓ બતાવીને સ્થાપત્ય કલાનું પૂરતું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કેમ્પના સમાપન અવસરે, સુરક્ષા સેતુ સોસાયટીના નોડલ અધિકારી *જે.જી. ચાવડા ની* પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા *ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ* દ્વારા આકસ્મિક આપત્તિઓ સામે રક્ષણ મેળવવા માટેની વિશેષ તાલીમ આપવામાં આવી હતી. જેમાં આગ લાગવાની ઘટનાઓ અથવા પાણીમાં ડૂબવા જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો, કઈ સાવચેતી રાખવી અને અન્યોનો જીવ કેવી રીતે બચાવવો તે અંગેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપીને પૂરતું અને વ્યવહારિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર સમર કેમ્પ વિદ્યાર્થિનીઓમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને દેશના જવાબદાર નાગરિક બનાવવા છે તેમજ આ કેમ્પ દરમિયાન સિડ્યુલ મુજબ દરરોજ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ તેમજ પ્રવાસો કરાવીને વિદ્યાર્થીમાં જ્ઞાન અને સર્જનાત્મક શક્તિ વધારવાનો આશય છે.કેમ્પના સમાપન સમારોહમાં કેમ્પ દરમિયાન ઉત્તમ પ્રકારની ૧ થી ૫ સુધીના કાર્યદક્ષ કેડેટ્સને જિલ્લા પોલીસ વડા સફિન હસન દ્વારા રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા.


