કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
કથા વાસી નથી, કાયમી નિવાસી છે
વેદ-શાસ્ત્ર ગુરૂમુખ હોવું જોઇએ, મનમુન નહીં
આપણું પાપી મન ભેદ ઊભા કરે છે!
મહારાષ્ટ્રના કિલ્લારી (લાતૂર) ગામમાં જયાં તલગાજરડાના જૂના રામજી મંદિરના ઠાકુર (રામ, લક્ષ્મણ, સીતા, હનુમાજ)ની મૂર્તિઓ બિરાજે છે તે પુણ્યવંતી ધરા પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ વાલ્મીકિ આશ્રમ’ ગઇકાલે ચોથા દિવસમાં પ્રવેશી હતી. કથાનો દિવ્ય-પ્રેમ સંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે નિમ્બાર્કીય પરંપરા, વૈષ્ણવી પરંપરાના અમારા આચાર્યો બહુધા શ્ર્વેત વસ્ત્રો ધારણ કરે છે. આ સાધ્વીય પરંપરા રહી છે. એ જ રીતે અહીં મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાયમાં પણ શ્વેતવસ્ત્રોની પરંપરા ચાલી આવે છે. વર્ષ પૂર્વેનું એક સ્મરણ ઝંકૃત થતાં બાપુએ ભીની આંખે વર્ણવતા કહ્યું કે હું નાના હતો. ત્યારે મારી મા સાવિત્રી માને, રાતના દસ-અગિયાર થયા હશે. માને પેટમાં અચાનક દુ:ખાવો ઉપડયો. તલગાજરડા સાવ નાનું એવું ગામ કથાકાર અને વૈદુ જાણનારા જગજીવનદાદાને જગાડયા, મેં કહ્યું દાદા, માને પેટનો દુ:ખાવો ઉપડયો છે. દાદા આવ્યા, માને તપાસી અને કહ્યું કે મહુવા હોસ્પિટલે લઇ જવા પડશે. વરસાદની મૌસમ હતી. મોડી રાતે મહુવા જવા માટે તલગાજરડાના મુખ્ય રસ્તા પર પહોંચવા માટે ત્યારે તો નાનકડા વોંકળાનો રસ્તો હતો. ઉબડ-ખાબડ રસ્તો, કાચો, કાદવ-કિચડવાળો, કાંટા-કાંકરા વાળો રસ્તો, વચ્ચે સાપ વગેરે પણ રસ્તા ઉપર નીકળે…પ્રભુદાસ બાપુએ પાડોશમાં જ રહેતા કણબી પટેલ ભવાન રાજાની ડેલી ખખડાવી. એના બળદગાડામાં સાવત્રિમાને મહુવા લઇ જવા પડશે એ જાણી અને ખેડૂતે તરત ગાડુ તૈયાર કર્યુ, ગાડામાં ઘાસના પૂળા પાથર્યા, ગોદડું પાથર્યુ, ભીખારામ કાકાના મોટાભાઇ ખીમદાસબાપુના ધર્મપત્ની જયા કાકી જેને અમે જયા બા કહેતા તે પણ અમારી સાથે આવ્યા, માને ગાડામાં સુવડાવ્યા તયારે સાવિત્રીમાં એ બાળક મોરારિને સાથે લઇ જવાનો આગ્રહ રાખ્યો, હું પણ ગાડામાં સાથે ગયો, માનો એક પગ જયા બા દબાવતા અને એક પગ હું દાબતો, ગાડું વોંકળા-નેળમાંથી ખેતરનો શેઢો વટાવ્યો, અને મા આંગળી ચીંધીને બોલી ઉઠયાં…’બેટા, ધ્યાન સ્વામી બાપા, ધ્યાન સ્વામી બાપા’ જયાબાએ સાવિત્રી માને પૂછયું. ‘ધ્યાન સ્વામી બાપા’એ કેવા કપડાં પહેર્યા છે? માએ તરત કહ્યું, સફેદ વસ્ત્ર, જેવા ત્રિભુવન દાદા પહેરે છે એવા! એ વખતે મારી નાની ઉમર, મને એવી સમજણ કયાંથી હોય કે હું ધ્યાન સ્વામી બાપાના દર્શન કરી શકું?? પણ એ સમયે સાવિત્રી માને ધ્યાનસ્વામી બાપાના દર્શન થયેલા… આ છે શ્વેત વસ્ત્રની પરંપરાનો મહિમા…
નવા કથાકારો માટેની આચારસંહિતા પ્રસ્તુત કરતા બાપુએ કહ્યું હતું કે આજના કથાકારોને હું વિનંતી કરૂ કે કોઇ પણ શાસ્ત્રીય વાત જ કહેવી., વેદ શાસ્ત્ર ગુરૂમુખ હોવું જોઇએ. મનસુખ નહીં! તો કોઇપણ શાસ્ત્રની વાતો, શાસ્ત્રીય રીતે જ કહેવી એ પણ સાધ્વીય રીતે જ કરવી. મને કોઇએ પૂછેલું કે બાપુ તમે કથાકારોની સાથે જે જે કલાકારો હોય છે એની કોઇ આચારસંહિતા હોય છે? જવાબ: હોય જ જો કે હું કયારેય કોઇ દિવસ આ કલા સાધકોને કહેતો નથી કે તમારે આવા કપડાં જ પહેરવા જોઇએ. કપાળે તિલક કે બીંદી કરવી જોઇએ. પણ દરેકે આટલી આચારસંહિતા રાખવી જોઇએ. શરીરથી સ્વસ્થ અને સ્વચ્છ હોવો જોઇએ. બીજુ વસ્ત્ર પણ સ્વચ્છ હોવા જોઇએ. વૃત્તિ પણ સ્વચ્છ-શુધ્ધ હોવી જોઇએ. પરસ્પર વિનય હોય, વર્ગભેદ કે વર્ણભેદ ન હોવો જોઇએ.
આજની મોર્ડન શિક્ષણ પધ્ધતિ સંદર્ભે બાપુએ હળવી ટકોર કરતાં કહ્યું હતું કે એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછયું કે જહાંગીર અને શાહજહાં માં શું અંતર છે? એક વિદ્યાર્થી ઉભો થયો અને બોલ્યો, જહાંગીર માં જેહાં, આગળ છે અને શાહજહાંમાં જહાં પાછળ છે!! કથા વાસી નથી કાયમી નિવાસી છે. કથા સાંભળવી પડશે. બધું જ છોડો પણ કથા ન છોડો. અને કથા પંડાલ સુધી જ સિમિત ન હોવી જોઇએ. ઘર-ઘર સુધી એને ઘર સુધી લઇ જવી. એક વાર્તા કહું…એક શેઠા હતા. એ પચીસ-ત્રીસ વર્ષથી રોજ સાંજે મંદિરમાં સત્સંગ થતો એમાં જતાં. રોજનો ક્રમ નિયમિત રીતે સાંજે પાંચ થી સાડા છ સ્વાધ્યાય ચાલતો હતો. સ્વામી આવે એ પહેલા શેઠ પહોંચી જતા. આમ ત્રીસ વર્ષથી અચૂક સત્સંગ-સ્વાધ્યાયમાં જતા. હવે એક દિવસ એવું થયું કે શેઠને કોઇ અનિવાર્ય કામ સબબ બહાર ગામ જવાનું થયું. ત્યારે શેઠે એના દીકરાને કહ્યું કે બેટા આજે તું સત્સંગમાં જજે. દીકરો સત્સંગમાં જાય છે એને ખૂબ ભાવથી સ્વામીની વાતો સાંભળે છે. એમાં સ્વામીએ ગાયો વિશે વાત કરી કે ગાયો ની સેવા કરવી, ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. વગેરે…વગેરે… શેઠના દીકરાને સત્સંગની અસર થઇ. સવારે દુકાને જાય છે. દુકાન ખોલે છે ત્યાં જ સામે બે-ત્રણ ગાયો આવી આને તરત સત્સંગમાં ગાયોની સેવાની વાત આવી. ને દુકાનમાં બાજરો, ઘંઉ અને ચોખા હતાં. એ ગાયોને ખવડાવવા લાગ્યો. ત્યાં જ શેઠ આવ્યા. શેઠે જોયું દીકરાને કીધું કે આ શું કરે છે? દિકરો કહે-કાલે સત્સંગમાં સ્વામીજીએ ગાયોની સેવા કરવી અને ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતા છે એની વાત કરી એટલે મેં ગાયો આવતા આ સેવા કરવા લાગ્યો. શેઠે કહ્યું-સત્સંગની વાતો મંદિર સુધી જ રખાય, દુકાને ન લઇ અવાય!! આમ કથા મંડપ સુધી જ ન રહેવી જોઇએ, તમારા ઘર સુધી પહોંચવી જોઇએ.
કથારત્નો
(૧) તલગાજરડી તોતો કહે છે : બધું જ છોડી દો પણ કથા ન છોડશો.
(૨) આશાભર્યા ને અમે આવીયાને મારે વ્હાલે રમાડયા રાસ રે, આવેલ આશાભર્યા
(3) કથાકારોએ શાસ્ત્રીય વાત પણ સાધ્વીય રીતે કહેવી જોઇએ.
(૪) કવિતાવલી માં તુલસીદાસજીએ પોતાને મહામુતી (વાલ્મિકી) કહ્યાં છે
(૫) હંમેશા વૈષ્ણવી ભોજન જ કરવું જોઇએ. આંગણામાં તુલસીનો કયારો હોય અને ફ્રીજમાં ઇંડા! એવું ન હોવું જોઇએ.


