દિવસે દર્દીઓની સેવા, રાત્રે ક્રિકેટનો રોમાંચ
રાજકોટમાં પ્રથમવાર માત્ર મેડિકલ સ્ટાફ માટે ક્રિકેટ લીગ
ડૉક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ માટે ‘HPL-2026’ ક્રિકેટ મહાકુંભનું આયોજન
જામનગર રોડના ગ્રીન ફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 29થી 31 મે સુધી નાઇટ ટૂર્નામેન્ટ યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા ડૉક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ માટે પ્રથમવાર અનોખી ક્રિકેટ સ્પર્ધા “HPL-2026 – Hospital Premier League”નું આયોજન કરવામાં આવ્યું છે. સતત દર્દીઓની સેવા અને વ્યસ્ત જીવન વચ્ચે મનોરંજન, રમતગમત અને એકતાનો માહોલ સર્જવા માટે આયોજિત આ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ 29, 30 અને 31 મે દરમિયાન જામનગર રોડ સ્થિત ગ્રીન ફિલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.
ત્રણ દિવસીય આ ટૂર્નામેન્ટ દરરોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી યોજાશે. ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં માત્ર ડૉક્ટરો અને હોસ્પિટલ સ્ટાફને જ ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. કુલ 12 ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લેશે અને દરેક ટીમ માટે રૂ.15 હજાર એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી છે. આયોજકો દ્વારા ખેલાડીઓ અને ટીમ સભ્યો માટે અનલિમિટેડ ફૂડ તથા કોલ્ડ ડ્રિંક્સની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂ.25,555નું રોકડ ઇનામ આપવામાં આવશે, જ્યારે રનરઅપ ટીમને રૂ.18,555નું ઇનામ મળશે. ઉપરાંત “મેન ઓફ ધ મેચ”, “બેસ્ટ બેટ્સમેન”, “બેસ્ટ બોલર”, “બેસ્ટ ફિલ્ડર” અને “મેન ઓફ ધ સિરીઝ” જેવા વ્યક્તિગત એવોર્ડ પણ આપવામાં આવશે. તમામ ખેલાડીઓને ખાસ ટી-શર્ટ, ટ્રોફી, કેપ અને ગિફ્ટ આપવામાં આવશે.
આ આયોજનમાં જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તથા સંજયભાઈ જોટંગીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આરોગ્ય ક્ષેત્રમાં સતત વ્યસ્ત રહેતા ડૉક્ટરો અને હોસ્પિટલ કર્મચારીઓ માટે આ ટૂર્નામેન્ટ માત્ર રમતગમત નહીં પરંતુ મિત્રતા, એકતા અને ટીમ સ્પિરિટ વધારવાનું માધ્યમ બનશે.
આ ટૂર્નામેન્ટને વિવિધ હોસ્પિટલ અને મેડિકલ સંસ્થાઓનો સહયોગ પણ મળ્યો છે. આયોજક મંડળમાં કવિ જીગ્નેશ, કિશન વાણિયા, જાવેદ છાછર, કેલ્વિન મોરી, દીપક પરમાર, જોગી જોગરાણા અને વનરાજ વાણિયા સહિતના સભ્યો જોડાયેલા છે. જ્યારે હિરેન જોટંગીયા, ચિરાગ સરવૈયા, ભાવિક ડાભી, દેવ આહીર, અનિલ સોલંકી, નથરાજ ઓડેદરા, ભાવેશ ભલગરિયા, ધર્મેન્દ્ર ગોહીલ, ચંદુ પરમાર અને સચીન બાબરીયા સહિતના સભ્યો ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે સહયોગ આપી રહ્યા છે.
સ્પોન્સર તરીકે પ્લેક્સસ હોસ્પિટલ, બેકબોન હોસ્પિટલ, લેન્ડમાર્ક હોસ્પિટલ, એપોલો હોમ કેર, અર્બન જંગલ, ધ પટારો મેન્સ વેર, શ્રી બાલાજી એમ્બ્યુલન્સ સર્વિસ, વર્ક અવે, ડી.ડી. મેડિકલ, પ્રગતિ ઇન્સ્યોરન્સ, પેસ્ટ કંટ્રોલ સર્વિસ, આરાધના એજ્યુકેશન, ઓરબીટ કાર્ડિયાક સેન્ટર અને ઔરેલીયસ ફાયર એન્ડ સેફ્ટી જેવી સંસ્થાઓ જોડાઈ છે.
ટૂર્નામેન્ટની તમામ મેચો YouTube Live મારફતે પણ પ્રસારિત કરવામાં આવશે જેથી ક્રિકેટપ્રેમીઓ ઓનલાઈન પણ મેચનો આનંદ માણી શકશે. રાજકોટમાં પ્રથમવાર માત્ર હોસ્પિટલ અને મેડિકલ ક્ષેત્રના લોકો માટે આવી વિશેષ ક્રિકેટ લીગ યોજાતા આરોગ્ય ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
HPL-2026નો મેચ શેડ્યૂલ જાહેર
HPL-2026 ક્રિકેટ ટૂર્નામેન્ટનો સત્તાવાર મેચ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે પૂલ-A અને પૂલ-Bની ટીમો વચ્ચે પાંચ મેચ રમાશે. જેમાં ગિરિરાજ હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ, ઓર્બિટ હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ અને BTSKH Lions જેવી ટીમો મેદાનમાં ઉતરશે.
બીજા દિવસે પૂલ-C અને પૂલ-Dની ટીમો વચ્ચે મેચો યોજાશે. જેમાં બેકબોન હોસ્પિટલ, બ્લેક પર્લ, મધુરમ હોસ્પિટલ, શિવ હોસ્પિટલ તેમજ ધ પટારો-11 અને ધ લેજેન્ડ-11 વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળશે.
ત્રીજા દિવસે અંતિમ લીગ મેચ બાદ સેમિફાઇનલ મુકાબલા યોજાશે. રાત્રે 8:30 વાગ્યે પ્રથમ સેમિફાઇનલ અને 10 વાગ્યે બીજી સેમિફાઇનલ રમાશે. જ્યારે રાત્રે 11:55 વાગ્યે બંને વિજેતા ટીમો વચ્ચે ભવ્ય ફાઇનલ મેચ રમાશે.


