મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, મોક્ષશાસ્ત્ર પછી પ્રેમશાસ્ત્ર જ મહત્વનું છે, કોઈપણ શાસ્ત્ર ‘પ્રેમ’ વગર વ્યર્થ છે
પ્રેમમાં કસોટી કરવી એ અશ્રધ્ધાનું પરિણામ છે
શાસ્ત્ર પ્રતિષ્ઠા માટે નથી, નિષ્ઠાની પરિપુષ્ટિ માટે છે
કિલ્લારી-મહારાષ્ટ્ર (લાતૂર)ની લોક મંગલમય ચેતનાની ધરા પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ વાલ્મીકી આશ્રમ’ના સાતમા દિવસે ગઈકાલે કથા સેવાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું કે, આપણે ત્યાં અડસઠ તીર્થનો વિશેષ મહિમા છે. એ દિવસે તીર્થોની જ વાતો થયેલી. જેટલા સ્મરણમાં છે એની વાત કરું… માનસરોવર એ માનસતીર્થ છે, તલગાજરડીય દ્રષ્ટિએ કૈલાસ એ ગૌરી શંકર-કુંસ તીર્થ છે, જ્યાં શંકર-પાર્વતી નિરંતર નિવાસ કરે છે. ગંગા-ભક્તિ તીર્થ છે, યમુના-કર્મ તીર્થ છે, સરસ્વતી-બ્રહ્માવિદ્યા તીર્થ છે. પ્રયાગ-સંગમ તીર્થ છે, પુષ્કર-રાજતીર્થ છે, કાલડી-કેદારનાથ-શંકરતીર્થ છે. કાન ભુસુંડીજી આશ્રમ-કાગતીર્થ છે, બદ્રીનાથ-નારાયણ તીર્થ છે, દ્વારીકા-શારદાતીર્થ છે (શારદાપીઠ), રામેશ્વરમ-સેતુતીર્થ છે, અયોઘ્યા-સત્યતીર્થ છે, વૃંદાવન-પ્રેમતીર્થ છે, જગન્નાથ-જગદીશ તીર્થ, કાશી એ કરૂણાતીર્થ છે અને વાલ્મીકી આશ્રમ એ રામાયણ તીર્થ છે.
તમારા મહારાષ્ટ્રના પાંડુરંગદાદા, જેણે સ્વાઘ્યાય પ્રવૃતિ દ્વારા સમગ્ર વિશ્વમાં ધર્મકાર્ય કર્યું છે એ ધન વિશે કહેતા કે, ધનમાં ત્રણ વસ્તુ રહેલી છે (૧) મળેલું ધન-એટલે કે વારસાથી મળેલું ધન વગેરે (૨) કમાયેલું ધન-તમારા પરિશ્રમથી કમાવેલું ધન અને (3) કોઈની કૃપા-કરૂણાથી પ્રાપ્ત થયેલું ધન… સાંઈઠ વર્ષ પહેલાની એક કથાનું સ્મરણ થાય છે.. ગોરખી ગામમાં કથા કરેલી, ચાર-પાંચ લોકોએ ભેગા મળીને જીવાભાઈ, એક દરજી, એક બ્રાહ્મણ એમણે કથાનું આયોજન કરેલું. ત્યારે જીવાભાઈએ મને કહેલું કે બાપુ, એક કથા તળાજાની નદીનાન પટમાં કરવી છે, પણ પૈસા નથી! મનોરથ હતો એટલે થોડાક સમય પછી એટલો બધો વરસાદ પડ્યો કે મોટું પૂર આવ્યું, આસપાસના નાના-નાના ગામોમાંથી માલ-ઘરવખરી તણાતી તળાજી નદીમાં આવે… સાચી બનેલી ઘટના છે આ…. તો એમાં એક પેટી તણાતી-તણાતી આવી, પતરાની પેટી, કોઈ ગામના શેઠની હશે એ તણાતી નદીમાં આવી, જીવાભાઈએ જોયું કે પતરાની પેટી તણાતી જાય છે તો એની ડાઈ (છલાંગ) મારી અને એ પેટી બહાર કાઢી, છોકરાઓને-પડોશીને બોલ્યા તાળુ મારેલું હતું એ સાણસી, હથોડી, કોસ વગેરેથી તોડ્યું તો એમાંથી રાણીછાપ ચાંદીના સિક્કા નિકળ્યાં! જીવાભાઈ તલગાજરડી આવ્યા, મને વાત કરી કે પૂરમાં નદીમાંથી ચાંદીના સિક્કાની પેટી મળી છે તો હવે બાપુ, તળાજા કથા કરવી છે તો બાપ, આ કોઈના કૃપા-કરૂણાથી મળેલું ધન અને તળાજા કથા થઈ.
આપણા ચાર શાસ્ત્રો છે ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, મોક્ષશાસ્ત્ર. આ ચારે ચાર શાસ્ત્રમાં પ્રેમ ન હોય તો? ધર્મશાસ્ત્ર રસ વગર અધૂરૂ છે. શ્રદ્ધારસ પણ જરૂરી છે. જીસીસ કાઈટનું એક ગિરિપ્રવચન છે ખૂબ સરસ પ્રવચન છે એમાં પ્રેમ-શ્રઘ્ધાની વાત છે. લોકોએ જીસસને પૂછ્યું કે તમે પ્રેમ અને શ્રઘ્ધાની વાત કરો છો તમને ધક્કો દઈને ખીણમાં ધકેલી દઈએ તો ભગવાન તમને ઝાલવા આવશે? ત્યારે જીસસ જવાબ આપે છે કે મને મારા ઈશ્વર પર પૂર્ણ શ્રઘ્ધા છે, પ્રેમ છે એટલે એ ચોક્કસ મને બચાવી જ લે, પણ હું મારા ભગવાનની એવી કસોટી શા માટે કરું? હું પૂર્ણ શ્રદ્ધાવાન છું પણ એનો અર્થ એ નથી કે હું મારા ઈશ્વરની કસોટી કરું. પ્રેમની કસોટી એ અશ્રઘ્ધાનું પરિણામ છે. બાપ,આ ચારેય શાસ્ત્રો પછી તલગાજરડા પ્રેમશાસ્ત્રને માને છે અને રામાયણ શાસ્ત્ર છે, પ્રેમ શાસ્ત્ર છે. શાસ્ત્ર એ કોઈ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે નથી, નિષ્ઠાની પરિપુષ્ટિ માટે શાસ્ત્રો છે.
અર્થ શાસ્ત્રમાં પ્રેમ ન હોય તો એનો કોઈ અર્થ નથી કોઈનું શોષણ નહીં પણ મંગલકર્તા હોય એ અર્થશાસ્ત્રની જરૂર નથી, જે પૈસા વિશ્વનું મ઼ગલ કરે એ જ સાચું ધન…..
સાધુ સ્વયં વન છે, સાધુ નદી છે, સાધુ સર્વની મા બનીને સૌને ધારણ કરે છે. સાધુ એ અર્થમાં ધારક છે, સાધુ પર્વત છે અને સાધુ ધરતી છે. પર્વતના ત્રણ લક્ષણ (૧) ઉંચાઈ (૨) અચલ અને (3) અસ્મિતા. પર્વતની અસ્મિતા એવી કે લોકો પરિક્રમા કરે છે. વનના ત્રણ લક્ષણ (૧) ધનતા-સધનતા (૨) વનમાં સાધુ રહે છે જે કદમૂલ-ફળ ખાઈને સાધના કરે છે, વનમાં સાધુતા રહે છે અને (3) વન પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે. મહારાષ્ટ્રની ધરતીમાં ભક્તિના વાવેતર છે એટલે જલ્દી અહીં બીજી રામકથાનું ગાન કરવા આવવું છે. પરવણીમા કથાગાન કરીશું. જોઈએ જોગ, લગન, વાર, તિથી જ્યારે અનુકૂળ થશે ત્યારે નેવું ટકા પાક્કું. કેમ કે….
ઝિંદગી એક સફર હૈ સુહાના
યહાં કલ ક્યા હો કિસને જાના
એક માણસ દરિયા કિનારે ઘ્યાન કરતો હતો. દરિયાના મોજા એના ઘ્યાનમાં વિક્ષેપ કરતા હતા. એટલે એણે દરિયા ને, મોજાને ફરિયાદ કરી કે, હું ઘ્યાન કરું છું તો તું કેમ મને વિક્ષેપ કરે છે? હું ક્યાં તને કોઈ રીતે હેરાન કરું છું? તું કેમ મને ઘ્યાનમાં હેરાન કરે છે? તો દરિયાએ કીધું કે હું ક્યાં હેરાન કરું છું, એ તો વાયુ-પવનને કારણે મારા મોજા ઉછળે છે. એટલે માણસે વાયુ-પવનને ફરિયાદ કરી તો પવન કહે હું ક્યાં હેરાન કરું છું આ તો વાયુપુત્ર-હનુમાનજી મને કહે છે એટલે હું વહુ છું, તો ઘ્યાન કરનાર માણસે હનુમાનજીને ફરિયાદ કરી ત્યારે હનુમાનજીએ કહ્યું, તારામાં રહેલા દ્વેષ, નિંદા અને ઈર્ષાને પ્રથમ બહાર કાઢ, એ બધું કાઢી નાખ અને પછી ઘ્યાન કર.
કથા રત્ન
(૧) પ્રત્યેક આશ્રિત માટે એના ગુરૂ-સદગુરૂ-બુઘ્ધપૂરુષ અડસઠ તીરથ છે
(૨) જેના ચરણોમાં રામનો સ્વભાવ હોય, કૃષ્ણનો પ્રભાવ હોય અને મહાદેવનો સદભાવ હોય એવા ગુરૂને સમર્પણ કરવું
(3) જે ગુરુમાં કામનો અભાવ હોય, રામનામનો લગાવ હોય એને ગુરુ માનવા.


