જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ૩૬ વર્ષ બાદ યોજાઈ GSની ચૂંટણી: આદિત્ય તેરૈયા ૧૦૪ મતે વિજેતા
વિદ્યાર્થીઓમાં લોકશાહી ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી ચૂંટણીમાં ૩૦૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર શહેરની જાણીતી કમરીબાઈ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં લોકશાહી ચૂંટણી પ્રક્રિયાનું વ્યાવહારિક જ્ઞાન વધારવાના હેતુથી જનરલ સેક્રેટરી (GS) ની ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ઇતિહાસમાં અગાઉ વર્ષ ૧૯૯૦-૯૧ માં છેલ્લે ચૂંટણી યોજાઈ હતી. આમ, પૂરા ૩૬ વર્ષના લાંબા અંતરાલ બાદ પુનઃ ચૂંટણી યોજાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ચૂંટણી અને મતદાનના મુખ્ય આંકડાઓમાં કુલ ૫ ઉમેદવારો મેદાનમાં હતા. જયારે કુલ નોંધાયેલા મતદારોમાં ૩૪૬ વિદ્યાર્થીઓમાંથી ૩૦૫ વિદ્યાર્થીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (વિદ્યાર્થીઓ માટે ‘NOTA’ નો વિકલ્પ પણ ઉપલબ્ધ હતો)
મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલી મતગણતરીમાં ‘ઘડિયાળ’ નિશાન સાથે ચૂંટણી લડી રહેલા આદિત્ય તેરૈયાએ સૌથી વધુ ૧૦૪ મત મેળવીને GS ના પદ પર જીત હાંસલ કરી હતી. પરિણામ જાહેર થતાં જ શાળા પ્રાંગણમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને વિજેતા ઉમેદવારને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જીત બાદ ખુશી વ્યક્ત કરતા વિજેતા આદિત્ય તેરૈયાએ જણાવ્યું હતું કે, “મને વિજયી બનાવવા બદલ હું તમામ સહપાઠીઓનો આભાર માનું છું. મને મત આપનાર અને ન આપનાર – હું તમામ વિદ્યાર્થીઓની પડખે રહીશ. શાળામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ કે અગવડતાઓ દૂર કરવા માટે હું હંમેશાં પ્રયત્નશીલ રહીશ અને તેમની રજૂઆતોને યોગ્ય સ્તરે પહોંચાડીશ.”


